અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ, સુંદર અને ઓડીએફ પ્લસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજે વિવિધ તાલુકાઓમાં સઘન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કરજણ બ્લોકની ધમણજા ગ્રામ પંચાયત, પાદરા તાલુકાનું શહેરા ગામ, સાવલીની પ્રાથમિક શાળા તેમજ ડેસર તાલુકા પંચાયત ખાતે સ્થાનિક તંત્ર અને લોકભાગીદારીથી જનજાગૃતિના ત્રિ-સ્તરીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ અંતર્ગત યુવા નેતૃત્વને મોખરે રાખીને માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ વેગવંતી કરાઈ હતી. ગ્રામ્ય સ્તરે આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ તેમજ એસ. ડબ્લ્યુ. એસ. એમ.ની વિશેષ બેઠકો યોજીને ગ્રામીણ કક્ષાએ ટકાઉ સ્વચ્છતાનું માળખું મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક યુવાનોને વિસ્તારના “સ્વચ્છતા દૂત” તરીકે સક્રિય કરી, તેમને સ્વચ્છતા વ્યવસ્થાપનની સઘન તાલીમ આપવામાં આવી હતી.
શૈક્ષણિક સંસ્થાઓ અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ‘સ્વચ્છ ભારત’, ‘પ્લાસ્ટિકમુક્ત ભારત’, ‘ગ્રે વોટર મેનેજમેન્ટ’ અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ જેવા પ્રાસંગિક વિષયો પર નિબંધ લેખન, વક્તૃત્વ, પ્રશ્નોત્તરી અને ચિત્રકામ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
જાહેર સ્થળોની ગરિમા જાળવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શ્રમદાન કરી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સમાંતરે, સાર્વજનિક દિવાલો પર આકર્ષક ચિત્રકામ અને દિવાલ લેખન દ્વારા ઘન કચરાના ચાર ભાગમાં વર્ગીકરણ (ભીનો, સૂકો, સેનેટરી અને જોખમી કચરો) અંગેના નિયમોનું પ્રદર્શન કરીને નાગરિકોને જાગૃત કરાયા હતા. આ અભિયાનના ભાગરૂપે ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સાક્ષરતા વર્કશોપનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
