અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ‘વિકસિત ભારત સેવા અભિયાન’ અંતર્ગત ઘોઘંબા તાલુકાના ઘટક-૧ હેઠળ પાધોરા સેજાના શામળકુવા ગામના સરપંચ ફળિયામાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા તથા ઝીંઝરી જિલ્લા પંચાયત સદસ્ય વરજુબેન રમેશભાઈ રાઠવા સહિત આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર, આશાવર્કર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આંગણ મિલન સેવા કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે જ બાળકો તથા લાભાર્થીઓને વિવિધ પ્રકારની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે પણ ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગામમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર તથા આશાવર્કર બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

