અવધ એક્સપ્રેસ | સાવલી
વડોદરા જિલ્લાના સાવલી ખાતે ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં જિલ્લાકક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન તાલુકાના ખેડૂતોને મહાનુભાવોના હસ્તે ટ્રેક્ટર સહાય અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સખી મંડળની મહિલાઓને વ્યાજમુક્ત લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામેથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓના લાભો અર્પણ કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 18,680 કરોડથી વધુની સહાય તથા ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,051 કરોડની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સંબોધનનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાવલી ખાતે ઉપસ્થિત મંત્રી, વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને મહાનુભાવોના સંબોધનને સાંભળ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, વડોદરા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન, એપીએમસીના ચેરમેન, સાવલી નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણીના માધ્યમથી ખેડૂતોને સરકારી યોજનાઓની સહાય સીધી તેમના બેંક ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થા અને ખેતીલક્ષી સહાયના લાભો અંગે જાણકારી આપવામાં આવી હતી.
* મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો; ખેડૂતોને ટ્રેક્ટર સહાય અને સખી મંડળની મહિલાઓને વ્યાજમુક્ત લોન સહાય અર્પણ કરાઈ

