અવધ એક્સપ્રેસ | વડોદરા
રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતાના અભિગમ સાથે ‘નાગરિક સુધી સરકાર’ના ઉમદા આશયથી સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમો સમગ્ર રાજ્યમા યોજાઇ રહ્યા છે. જે અન્વયે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તેવા હેતુથી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બીથલી ગામે દરિયાપુરા, બરકાલ, મોલેથા, મોટા કરાળા, નાના કરાળા ગામનો સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સવારથી જ તાલુકા કક્ષાના સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ સ્થળ પર હાજર રહીને નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે અને યોજનાઓનો લાભ ૧૦૦% સુધી પહોંચે તે દિશામાં સઘન કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને આધારકાર્ડ, રેશનકાર્ડને લગતા કામો, આવક, જાતિ, નોન-ક્રિમિલેયર,જન્મ-મરણ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો અને વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો, વિધવા સહાય, આરોગ્ય વિભાગ હેઠળ પી.એમ.જે.વાય મા કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, મિલકત આકરણીના ઉતારા, બસ પાસ કનેક્શન અને સોલર રજીસ્ટ્રેશન સંબંધિત કામગીરી સ્થળ પર જ પૂરી કરવામાં આવી હતી.
કાર્યક્રમમા શિનોર મામલતદારશ્રી એમ.જી.બારીયા, નાયબ મામલતદારશ્રી પવન ચૌધરી, બીથલી સરપંચશ્રી જ્યોત્સનાબેન પટેલ, તલાટીશ્રી,શાળાના આચાર્યશ્રી, અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
“આવા કાર્યક્રમો સરકારે નિયમિત યોજવા જોઈએ” : આધારકાર્ડમાં નામ સુધારાની ઝડપી કામગીરીથી લાભાર્થી અશ્વિનભાઈ પટેલ થયા પ્રભાવિત
આધાર કાર્ડમા નામ સુધારાના કામ અર્થે આવેલા બીથલી ગામના રહેવાસી શ્રી અશ્વિનભાઇ પટેલે જણાવ્યું કે, “મારૂ આધારકાર્ડમા નામ સુધારાનું કામ હતુ. આધારકાર્ડમા અશ્વિનકુમારની જગ્યાએ અશ્વિનભાઇ કરવાનું હતું જે આજે ૧૦ જ મિનિટમા કામ સફળતાથી પુરૂ થઇ ગયું છે. આવા કાર્યક્રમો સરકારે નિયમિત રીતે કરતા રહેવુ જોઇએ જેથી ગ્રામજનો આનો વધુમા વધુ લાભ લઇ શકે, સ્થાનિક તંત્રની કામગીરી ખુબ સારી છે.”

“વિધવા સહાયની યોજનાના નાણા સીધા બેંકમા જ જમા થઇ જશે.” – ગંગાસ્વરૂપા અનસુયાબેન વસાવા
વિધવા સહાયનો લાભ લેવા અર્થે સેવાસેતુ પહોચેલા ૬૨ વર્ષિય ગંગાસ્વરૂપા અનસુયાબેન વસાવાએ જણાવ્યું કે, “વિધવા સહાયની મારી અરજી આજે સેવાસેતુમા સ્વીકારી લીધી છે અને મને જાણકારી આપી છે કે આવતા મહિનેથી વિધવા સહાયની યોજનાના નાણા સીધા બેંકમા જ જમા થઇ જશે. મારે તાલુકાકક્ષાએ પણ જવાની જરૂર પડી નથી સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.”

“સેવાસેતુમા આધારકાર્ડ બનાવવાનુ સારૂ પડે છે. – લાભાર્થી નિમેશભાઇ વસાવા
પોતાના ૬ મહિનાના બાળક સાથે દરિયાપુર ગામથી બીથની આવેલા નિમેશભાઇ અને મિત્તલબેનએ સેવાસેતુની કામગીરી વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, “નાના બાળક સાથે કચેરીએ કચેરીએ જવાની જગ્યાએ અમે સેવાસેતુમા આધારકાર્ડ બનાવવાનુ સારૂ પડે છે. બીથલી ગામ નજીક પણ છે એટલે તાલુકાએ જવાની જગ્યા એ સેવાસેતુમાં વધારે ઝડપી કામ થાય તેથી અમે અહિં આવ્યા છે. સરકારશ્રીની સારી વ્યવસ્થા છે જેથી અમારૂ કામ ખુબ જ ઝડપી રીતે પુરૂ થઇ ગયું છે. સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.”
સેવાસેતુ કાર્યક્રમોનું ગામમા આયોજન કરવાથી નાના મોટા કામો ઘર આંગણે જ થઇ જાય છે. -ગોવિંદભાઇ વસાવા
આવકના દાખલાની કામગીરી લઇને આવેલા ગોવિંદભાઇ વસાવા એ જણાવ્યું હતું કે, “મારે પીએમજેએવાય કાર્ડને રીન્યુ કરાવવા માટે આવકના દાખલાની જરૂર હતી જેના માટે હું સેવાસેતુ કાર્યક્રમમા આવ્યો હતો. અને મારો આવકનો દાખલો સફળતાપુર્વક મળી ગયો છે જેના માટે હુ સરકારશ્રીનો આભાર માનુ છુ કે સેવાસેતુ જેવા કાર્યક્રમો ગામમા આયોજન કરે છે જેથી અમારા નાના મોટા કામો ઘર આંગણે જ થઇ જાય છે અમારે બહાર જવાની જરૂર પડતી નથી. સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.”
”આયુષ્માન કાર્ડનો લાભ સિનિયર સિટીઝ્ન માટે પણ ઉપલબ્ધ છે.”– ૮૧ વર્ષિય વરિષ્ઠ નાગરિક શ્રી ચિમનભાઇ પટેલ
આયુષ્માન કાર્ડનો લાભ લઇને ચિંતામુક્ત થતા બરકાલ ગામના ૮૧ વર્ષિય વરિષ્ઠ નાગરિક શ્રી ચિમનભાઇ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “સરકાર વડિલોની પણ ચિંતા કરે છે અને આયુષ્માન કાર્ડનો લાભ સિનિયર સિટીઝ્ન માટે પણ ઉપલબ્ધ હોવાથી હું આજે મારો કાર્ડ કઢાવવા આવ્યો હતો. જેની કામગીરી સફળતાપુર્વક પુરી થઇ ગઇ છે જેના માટે સૌ વડિલો તરફથી સરકારનો ખુબ ખુબ આભાર.”
