અવધ એક્સપ્રેસ | વડોદરા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ માહ–૨૦૨૬ અંતર્ગત આજે વડોદરા ઘટક-૧ના શેરખી આંગણવાડી કેન્દ્ર નંબર-૨ ખાતે ‘આંગણ ઉત્સવ’ તથા ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોષણ માહ–૨૦૨૬ અંતર્ગત બાળકો તથા કિશોરીઓમાં પોષણ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી આ પ્રસંગે ચિત્રકામ અને રંગકામની વિશેષ પ્રવૃત્તિ યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયેલી આ પ્રવૃત્તિમાં બે કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ કેટેગરીમાં ‘પોષણ અને પ્રારંભિક ઉત્તેજના’ થીમ આધારિત બાળકો માટે ચિત્રકામ અને રંગકામની પ્રવૃત્તિ યોજાઈ હતી, જ્યારે બીજી કેટેગરીમાં કિશોરીઓ માટે ‘પોષણ થાળી’ થીમ આધારિત ચિત્રકામ પ્રવૃત્તિ યોજાઈ હતી.
તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયેલી આ ચિત્રકામ-રંગકામની પ્રવૃત્તિ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા’ અંતર્ગત યોજવામાં આવી હતી. આ પહેલના માધ્યમથી બાળકો અને કિશોરીઓમાં પોષણ, સ્વાસ્થ્ય તથા સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી સાવિત્રી નાથજી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, સરપંચશ્રી, મહિલા મોરચાના બહેનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી કાર્યકરો, તેડાગરો, તંદુરસ્ત બાળકો તથા કિશોરીઓને પ્રોત્સાહિત કરી તેમની સર્જનાત્મક પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રના કાર્યકરો દ્વારા બાળકો અને કિશોરીઓના સર્વાંગી વિકાસ, પોષણ તથા આરોગ્ય જાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતા સુપોષિત પરિવાર, સ્વસ્થ સમાજનો સંદેશ જનજન સુધી પહોંચાડવા માટે જાગૃતિ કેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.