અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા નગરમાં ગણેશ મહોત્સવના દસ દિવસીય ભક્તિમય પર્વની ભાવુક વિદાય સાથે પૂર્ણાહુતિ થઈ હતી. ગણપતિ બાપ્પાના દસ દિવસના મહેમાનગતિ બાદ આજે વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા… અગલે બરસ તું જલ્દી આ’ના ગગનભેદી નાદથી સમગ્ર ઘોઘંબા નગર ગુંજી ઉઠ્યું હતું.
ઘોઘંબાના કોબ્રા ગણેશ મંડળ, વિનાયક ગણેશ મંડળ, ઓડ ફળિયા, લીમડા ચોક તથા સ્વામિનારાયણ પાલ્લી સહિતના ગણેશ મંડળો દ્વારા વિધિવત પૂજા-આરતી કરી ગણેશજીની પ્રતિમાઓ સાથે વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. ભક્તોએ બાપ્પાને વિવિધ પ્રકારના ભોજન, પ્રસાદ અને અન્નકૂટનો ભોગ ધરાવી ભાવપૂર્વક આરતી ઉતારી હતી.
ખાસ કરીને કોબ્રા ગ્રૂપ દ્વારા દસ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના પ્રસાદ, અન્નકૂટ તથા ડાયરા સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દસ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ગણપતિ દાદાના દર્શન અને આશીર્વાદ લેવા માટે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ભાજપ સંગઠન પ્રમુખ મયંક દેસાઈ તેમજ ઘોઘંબા તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા પણ રોજેરોજ ગણેશ મંડળોની મુલાકાત લઈ દર્શન કરવામાં આવ્યા હતા.
ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરીઆ દ્વારા પણ વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લઈ આરતીનો લાભ લેવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવ દરમિયાન ગ્રામ પંચાયત તરફથી મળતો સહકાર તેમજ જરૂરી વ્યવસ્થાઓમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

દસ દિવસ સુધી ગણપતિ દાદાની ભક્તિ અને મહેમાનગતિ કર્યા બાદ આજે કોબ્રા ગ્રૂપ દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારાં અને ડીજેના તાલે ઝૂમતા ભક્તો, ગુલાલની છોળો અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ વચ્ચે ગણેશજીની પ્રતિમાને કરાડ ડેમ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં વિધિવત પૂજા-આરતી બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું.
અન્ય ગણેશ મંડળોની પ્રતિમાઓનું પણ વડાતળાવ ખાતે વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાને વિદાય આપતી વેળાએ ભક્તોની આંખોમાં ભાવુકતા જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણમાં એક જ નાદ ગુંજી રહ્યો હતો ‘ગણપતિ બાપ્પા મોરિયા… અગલે બરસ તું જલ્દી આ!’
શાંતિપૂર્ણ વાતાવરણ માં ગણેશ વિસર્જન ની વિધિ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થઈ હતી. રાજગઢ પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ.બી. ગઢવી તથા પી.એસ.આઈ આર.આર રાઠોડ તથા પોલીસ સ્ટાફે ખડેપગે હાજર રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક ને નિયંત્રણ રાખી આગવા આયોજન પ્રમાણે એક પછી એક વિસર્જન યાત્રા ને ક્રમ બધ્ધ ગોઠવી કોઈ પણ વિધનવિના વિધ્નહર્તા ની વિસર્જન યાત્રા ને સફળ બનાવી હતી
* વાજતે-ગાજતે, ડીજેના તાલે ઝૂમતા ભક્તોએ વિઘ્નહર્તાને કરાડ ડેમમાં વિદાય આપી

