અવધ એક્સપ્રેસ | હાલોલ
હાલોલ શહેરના રેકડી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગણેશ મહોત્સવની ભક્તિ અને હર્ષોલ્લાસભેર ઉજવણી બાદ આજે વિઘ્નહર્તા શ્રી ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. છેલ્લા દસ દિવસથી મહેમાનગતિ માણી રહેલા ગણપતિ બાપ્પાને આજે છપ્પન ભોગ અર્પણ કરી ઢોલ-નગારાના નાદ અને ગણપતિ બાપ્પાના જયઘોષ વચ્ચે વડાતળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
અજીતભાઈ પાટીલના ઘરે છેલ્લા 11 વર્ષથી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતાં આ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ વિધિવત આરતી કરવામાં આવી હતી. સાથે જ વિવિધ પ્રકારના પ્રસાદના ભોગ ધરાવી પરિવારજનો તથા ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી હતી.

દસ દિવસ દરમિયાન સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ-વિધાન સાથે ઉજવાયેલા આ મહોત્સવમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે આજે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી.નાના બાળકો પણ હાથ માં આરતી ની થાળી અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી આરતી ઉતરતા નજરે પડ્યા હતા
વડાતળાવ ખાતે વિસર્જન પ્રસંગે ભક્તોમાં ભાવુકતા જોવા મળી હતી. ગણપતિ બાપ્પાની વિદાય સાથે આગામી વર્ષે ફરીથી બાપ્પાના આગમનની આતુરતાભરી રાહ જોવાની લાગણી સાથે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
* છપ્પન ભોગ અર્પણ કરી વડાતળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું


