અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામના ગૌતમભાઈ અશોકભાઈ બારીયા ગણેશ વિસર્જન માટે વડા તળાવ ખાતે ગયા હતા. દરમિયાન અચાનક તેમને ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. બનાવને પગલે પરિવારજનો તથા ગ્રામજનો દ્વારા તેમને તાત્કાલિક નાથકુવા ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યા હતા.
ગૌતમભાઈને અગાઉથી વાયુ સંબંધિત તકલીફ હોવાની માહિતી મળી રહી છે. બેભાન હાલતમાં ઘરે લાવવામાં આવ્યા બાદ તેમની તબિયત વધુ લથડતાં તેમને રણજીતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
રણજીતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના તબીબે ગૌતમભાઈને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે નાથકુવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ગણેશ વિસર્જનના ધાર્મિક પ્રસંગ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
* વડા તળાવ ખાતે ચક્કર આવતા ગૌતમભાઈ બારીયા બેભાન થયા, ઘરે લાવ્યા બાદ અંતિમ શ્વાસ
* રણજીતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબે મૃત જાહેર કરતાં ગામમાં શોકની લાગણી
