અવધ એક્સપ્રેસ | શ્રીનગર
કાશ્મીરની ધરતી પર રાષ્ટ્રભાવનાનો અદભુત નજારો સર્જાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા શ્રીનગરના ઐતિહાસિક લાલચોક ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં ૬૦ જેટલા સંતવૃંદ તથા ૬૦૦ જેટલા સત્સંગીઓ જોડાયા હતા. તિરંગા યાત્રા પૂર્વે લાલચોક ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો તથા સત્સંગીઓના સમૂહે રાષ્ટ્રધ્વજને નમન કરી રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ તિરંગા સાથે નીકળેલી ભવ્ય યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

આ ઐતિહાસિક યાત્રામાં સંતવૃંદ અને સત્સંગીઓએ રાષ્ટ્રધ્વજ સાથે શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. લાલચોક ખાતે તિરંગો લહેરાતાં રાષ્ટ્રભક્તિના જયઘોષથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. કાશ્મીરની ધરતી પર યોજાયેલી આ તિરંગા યાત્રા સૌ માટે યાદગાર બની હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રીનગરના ભાજપ કાર્યકર એઝાઝ હુસેનનો સહયોગ રહ્યો હતો. સંતો, સત્સંગીઓ અને સ્થાનિક સહયોગીઓની સંયુક્ત ઉપસ્થિતિથી તિરંગા યાત્રાએ ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું.
મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી સહિત સંતવૃંદની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ રાષ્ટ્રએકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
* ૬૦ જેટલા સંતવૃંદ અને ૬૦૦ જેટલા સત્સંગીઓની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા

