ઘોઘંબા તાલુકા ના રાજગઢ પોલીસ સ્ટેશન ના જાંબાઝ પોલીસ અધિકારી ની અધ્યક્ષતમાં પોલીસ કર્મચારીઓના ટીમવર્ક અને દારૂબદી ને નાથવા ની ઝુંબેશ માં બુટલેગરો ઉપર તવાઈ બોલાવતા મોલ ગામમાં રેડ પાડી . 3.97 લાખની કિંમતનો કુલ 63 પેટી દારૂ જપ્ત કર્યો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂનો વેપલો કરતા તત્વો સામે રાજગઢ પોલીસે તવાઈ બોલાવી છે. રાજગઢ પોલીસની ટીમે મોલ ગામમાં બાતમીના આધારે દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે રાજગઢ પી.આઈ. એમ.બી. ગઢવી પોતાની ટીમ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોલ ગામમાં રહેતી રૂખલીબેન વદેસીંગભાઈ રાઠવાના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી માઉન્ટ્સ 6000 બીયરની 58 પેટી તથા ગોવા વ્હિસ્કીની 5 પેટી મળી કુલ 63 પેટી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.3,97,802 હોવાનું પોલીસે જણાવ્યું છે.
રાજગઢ પોલીસની આ કાર્યવાહીથી તાલુકામાં દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ચકચાર મચી છે. અગાઉ પણ રાજગઢ પોલીસે દારૂના ગેરકાયદેસર ધંધા સામે અસંખ્ય ક્વોલિટી કેસો કરી કાર્યવાહીનો સિલસિલો જાળવી રાખ્યો છે. પોલીસની સતત કામગીરીને પગલે દારૂના ધંધાર્થીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજગઢ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તથા આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર કામગીરીમાં રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવી, પી.એસ.આઈ. આર.એસ. રાઠોડ સહિત રાજગઢ પોલીસ સ્ટાફની ટીમ જોડાઈ હતી.
