સાવલીમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી અને બાંધકામની ગુણવત્તાને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણી પુરવઠા વિભાગના સંપની બિસ્માર હાલતના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
સામે આવેલા વીડિયોમાં સંપના ઉપરના ભાગનું મટીરિયલ એટલું નબળું હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાથનો સહેજ સ્પર્શ થતાં જ ઉપરનું પડ તૂટી-ખરી પડતું હોવાનું નજરે પડે છે. સ્થાનિકો દ્વારા તો આ સ્થિતિની સરખામણી ચામાં પાર્લે બિસ્કિટ ડૂબાડ્યા બાદ બિસ્કિટ જે રીતે નરમ પડી તૂટી જાય છે, તેવી જ રીતે સંપનું ઉપરનું પડ હાથ લગાવતા જ તૂટી પડે છે તેવી કરવામાં આવી રહી છે.

આટલું જ નહીં, સાવલીમાં પાણી ભરવાની ટાંકીઓના બાંધકામને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે. ટાંકીઓના બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા અંગે પણ વીડિયો સામે આવ્યા છે, જેના પગલે સમગ્ર કામગીરીની ગુણવત્તા શંકાના ઘેરામાં આવી છે. જો ખરેખર સરકારી ખર્ચે તૈયાર કરવામાં આવેલા પાણી પુરવઠાના માળખામાં આટલી હદે નબળું મટીરિયલ વપરાયું હોય, તો બાંધકામ દરમિયાન ગુણવત્તાની ચકાસણી કોણે કરી? જવાબદારી કોની હતી? અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં? તેવા અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે.
સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના DEEનો સંપર્ક કરી રજૂઆત કરવામાં આવી છે. હવે તંત્ર દ્વારા સંપની બિસ્માર સ્થિતિ તેમજ પાણીની ટાંકીઓના બાંધકામની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે કે કેમ અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર છે.
સરકારી કામમાં ગુણવત્તા સાથે બાંધછોડ થઈ હોય તો માત્ર તપાસ નહીં, જવાબદારી પણ નક્કી થવી જરૂરી છે. કારણ કે પાણી જેવી મૂળભૂત સુવિધા સાથે જોડાયેલા બાંધકામમાં બેદરકારીનો ભોગ અંતે સામાન્ય પ્રજાને જ બનવું પડે છે.
