આલેખન – રવિના બોરાધરા
(વડોદરા, તા.૧૦)
આગામી ગણેશ ચતુર્થીને લઈને શહેર અને જિલ્લામાં ગણેશમૂર્તિઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પર્યાવરણ અંગે વધતી જાગૃતિને કારણે આ વર્ષે અનેક સ્થળોએ માટી સહિત કુદરતી સામગ્રીમાંથી ગણેશમૂર્તિઓ બનાવવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. આવા સમયે પાદરા સ્થિત ધ્યાના સંશોધન નગરીના બાળકોએ પર્યાવરણમૈત્રી ગણેશોત્સવને એક પગલું આગળ લઈ જઈને વિસર્જન પછી શું?’ તે અંગે વિચાર કરાવતી અનોખી પહેલ કરી છે.When Creativity Meets Seva..Ganpati mahotsva Becomes a Celebration of Natureની થીમ હેઠળ બાળકોએ પરંપરાગત મૂર્તિના બદલે એવી ગણેશમૂર્તિઓ તૈયાર કરી છે, જેમાં મૂર્તિના વિસર્જન બાદ પણ તેનો કોઈને કોઈ રીતે ઉપયોગ થાય અને પ્રકૃતિને નુકસાન ન થાય તેવો વિચાર કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.
ફિટકરીમાંથી બનાવેલી મૂર્તિનું પાણીની ટાંકીમાં વિસર્જન કરી પાણી શુદ્ધિકરણ સાથે જોડવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. ગોળમાંથી બનાવેલી ગણેશમૂર્તિ પાણીમાં ઓગળ્યા બાદ શરબત પ્રસાદમાં રૂપાંતરિત થાય છે, જ્યારે ચોકલેટની મૂર્તિને દૂધમાં વિસર્જિત કરીને મિલ્કશેક પ્રસાદ તરીકે ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.તે જ રીતે, માટી અને બીજથી તૈયાર કરાયેલી મૂર્તિનું વિસર્જન કર્યા બાદ તેમાંથી છોડના પોષણ માટે ઉપયોગી દ્રવ્ય તૈયાર થાય છે. વાંસ, ઊન, ક્રોશિયા અને પાંદડાં જેવી કુદરતી સામગ્રીમાંથી બનાવેલી મૂર્તિઓ દ્વારા બાળકોએ ગણેશભક્તિ સાથે સર્જનાત્મકતા અને કુદરતપ્રેમનું સુંદર સંયોજન પણ રજૂ કર્યું છે.આ પહેલની વિશેષતા એ છે કે બાળકો માટે ગણેશમૂર્તિ માત્ર બનાવવાની વસ્તુ નહીં, પરંતુ વિસર્જન પછી પણ ઉપયોગી રહે તેવી રચના બની છે. તેમની આ વિચારસરણી દ્વારા ગણેશોત્સવની ઉજવણીમાં પર્યાવરણ સંરક્ષણને માત્ર એક સંદેશ તરીકે નહીં, પરંતુ વ્યવહારુ અનુભવ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
ધ્યાના સંશોધન નગરીના બાળકોની આ પહેલ પરંપરા અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનો સંદેશ આપે છે. ગણેશજીના આગમનની જેમ જ તેમની વિદાય પણ પ્રકૃતિ માટે હિતકારી બની શકે,તેવો વિચાર આગામી ગણેશોત્સવમાં પર્યાવરણમૈત્રી ઉજવણી માટે પ્રેરણારૂપ બની શકે છે.
ફિટકરીથી પાણી શુદ્ધિકરણ, ગોળથી શરબત અને ચોકલેટથી મિલ્કશેક સુધી વિસર્જન પછીના ઉપયોગને કેન્દ્રમાં રાખતી રચનાઓ
***************************
મૂર્તિ વિસર્જન બાદ પણ ઉપયોગી રહે તેવા વિચાર સાથે ગણેશોત્સવમાં ભક્તિ, સર્જનાત્મકતા અને પર્યાવરણ સંરક્ષણનો સમન્વય
