સાવલી તાલુકાના વડદલા ગામે આવેલી મીના સર્કિટ પ્રા.લિ. કંપનીમાં આશરે ₹95 લાખની ઉચાપત થયાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી છે. કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ચંદ્રકાંત પટેલ સામે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ કંપનીના બેંક એકાઉન્ટમાંથી વિવિધ રીતે રકમ પોતાના તેમજ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કથિત રીતે નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાવેલિંગ એક્સપેન્સ અને વાઉચરના નામે પણ રકમની ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કંપનીના એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ કંપની તરફથી કુલ ₹95 લાખની ઉચાપત અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે સાવલી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બેંક એકાઉન્ટના વ્યવહારો, રકમના ટ્રાન્સફર તેમજ વાઉચર સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ બાદ ઉચાપતની સમગ્ર હકીકત અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વિગતો સામે આવે તેવી શક્યતા છે.
