ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી ગરીબ, અનાથ, મધ્યમવર્ગીય તથા ઝૂંપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ કોચિંગ આપવાનું ઉમદા કાર્ય કરતી સદભાવના મિશન કલાસ, બહારપુરા ગોધરા ખાતે શિક્ષકદિનની ભાવ્ય અને શૈક્ષણિક ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષકદિનના અવસરે સંસ્થાના બાળકોએ એક અનોખો પ્રયોગ કરી એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
સદભાવના મિશન કલાસ દ્વારા છેલ્લા 16 વર્ષથી આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડીને તેમને અભ્યાસમાં માર્ગદર્શન અને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવી રહ્યું છે. હાલ 120થી વધુ બાળકો નિયમિત રીતે અહીં અભ્યાસ કરવા આવે છે. શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સંસ્થા દ્વારા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

શિક્ષકદિનની ઉજવણી દરમિયાન બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવીને માત્ર વર્ગખંડમાં ભણાવવાનું જ નહીં, પરંતુ શિક્ષક તરીકેની જવાબદારી, શિસ્ત, સમયપાલન અને વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારીનો પણ અનુભવ કર્યો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે, શિક્ષકના કાર્યનું મહત્વ સમજાય અને શિક્ષણક્ષેત્ર પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૌડ ગુડિયા સોહિતકુમારે પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવી હતી, જ્યારે પઢિયાર કાવ્યા ઉમેદભાઈએ સુપરવાઇઝર તરીકેની જવાબદારી સંભાળી હતી. શિક્ષક તરીકે સોલંકી રુહી રાજુભાઈ, હરિજન અંજલીબેન જયદીપભાઈ, મારવાડી વિશાખા રમેશભાઈ, ભરવાડ જહલ દેવાભાઈ, સોલંકી ભવ્ય રોહિતકુમાર, ભરવાડ અમિત દેવાભાઈ, સોલંકી તક્ષ સાગરભાઈ, પઢિયાર ભાવ્ય ઉમેદભાઈ, સોલંકી અમિશા ગુંજનભાઈ, સોલંકી ભાવિકા સંજયભાઈ, હરિજન હાર્દિક દિનેશભાઈ, હરિજન પ્રિન્સ જગદીશભાઈ, હરિજન સંજના દિનેશભાઈ અને પુરાણી ક્રિશા હિમાંશુભાઈ સહિતના બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી.

બાળકોએ ઉત્સાહપૂર્વક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો અને શિક્ષક તરીકેની પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી હતી. શિક્ષક બનવાનો આ અનુભવ બાળકો માટે આનંદદાયક તેમજ જ્ઞાનવર્ધક સાબિત થયો હતો. પોતાના સહાધ્યાયીઓને ભણાવતા સમયે તેમને શિક્ષકના કાર્યમાં રહેલી મહેનત, ધીરજ અને જવાબદારીનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો.
શિક્ષકદિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનને યોગ્ય દિશા આપનાર માર્ગદર્શક અને ઘડવૈયા છે, તેવો સંદેશ પણ બાળકોને આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સદભાવના મિશન કલાસ, બહારપુરા ગોધરાના સંચાલક ડૉ. સુજાત વલી સાહેબ અને શિક્ષક ઈમરાન સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકદિન નિમિત્તે તમામ બાળકો, વાલીઓ અને શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સદભાવના મિશન કલાસનો આ અનોખો શિક્ષકદિન કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતા બાળકોમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, શિસ્ત, જવાબદારી અને શિક્ષણ પ્રત્યે આદર જેવા જીવનમૂલ્યો વિકસાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો હતો.
