સાવલી નગરની ગંદકી સહિત પાયાની સુવિધાઓ ની અણદેખી મુદ્દે સાવલી નગર ભાજપ નામના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કાર્યકરો દ્વારા પાલિકા ના કોર્પોરેટરો ને શોભાના ગાંઠિયા સમાન ગણાવીને પાલિકાને કોન્ટ્રાકટર અને પાલિકાના કર્મચારીને દત્તક આપ્યાનો ઉલ્લેખ કરી ને બળાપો વ્યક્ત કરતી પોસ્ટ વાયરલ થતા સાવલી ભાજપનો આંતરિક કલેહ બહાર આવ્યો છે
સાવલી નગરમાં ગંદકી અને સફાઈની સ્થિતિને લઈને ચાલી રહેલી ચર્ચા હવે સત્તાધારી ભાજપના ગ્રુપ સુધી પહોંચી છે. ભાજપ સાવલી નગરના ગ્રુપમાં નગરપાલિકાની કામગીરીને લઈને આક્ષેપભર્યા મેસેજો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.વાયરલ મેસેજોમાં નગરપાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો “શોભાના ગાંઠિયા સમાન” હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ “નીરવ અને કોન્ટ્રાક્ટર રૂપેશ સાવલી નગર ચલાવે છે” તેવા આક્ષેપભર્યા મેસેજો પણ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે.
મેસેજોમાં નીરવ શાહ નગરપાલિકામાં નોકરી કરતા હોવાનો તેમજ રૂપેશ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંનેને લઈને “નગરપાલિકાએ દત્તક આપ્યા હોય” તેવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે સત્તાધારી પક્ષના જ ગ્રુપમાં નગરપાલિકાની કામગીરી અને જવાબદારો અંગે થયેલી આ ચર્ચાએ સાવલીના રાજકીય માહોલમાં ગરમાવો લાવ્યો છે. જોકે, વાયરલ મેસેજોમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જ્યારે સાવલી ભાજપના ગ્રુપમાં ભાજપના કાર્યકરો દ્વારા જ ભાજપની ચૂંટાયેલી પાંખ પર કટાક્ષ અને આક્ષેપો થતા સમગ્ર તાલુકામાં ભાજપની ભારે ફજેતી થવા પામી છે અને ફરી એકવાર સાવલી ભાજપમાં નો આંતરિક કલેહ બહાર આવ્યો છે અને આવનાર સમયમાં આ મુદ્દો વધુ પેચીદો બનશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે જોકે આ બાબતે સાવલી શહેર પ્રમુખ રચિત શાહ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે હજુ સુધી મને કોઈ જાણ થઈ નથી અને હું બે દિવસ તહેવારોમાં વ્યસ્ત હોઈ ધ્યાને આવ્યું નથી પરંતુ આ બાબતે તપાસ કરીને સમસ્યા હશે તો નિરાકરણ કરવામાં આવશે અને જે પણ કાર્યકરે આ પ્રકાર ની પોસ્ટ કરી હશે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

જ્યારે આ બાબતે વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને સાવલી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે આ બાબતને વિરોધ કરી રજૂઆતો કરતા હતા પરંતુ હવે ભાજપના કાર્યકરો જ એવી ચર્ચા કરતા હોય કે કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન છે અને નગરપાલિકા નો કોન્ટ્રાક્ટર અને કર્મચારી 20 વર્ષ થી પાલિકા ચલવે છે અમે જે વાંધો અને વિરોધ કરતા હતા તો એ અમારી વાત સાચી સાબિત થઇ છે અને વર્ષોથી વિકાસના કામ બરાબર થતા નથી અને ચૂંટાયેલા પદાધિકારીઓ કઈ પણ કામ કરતા નથી કે જવાબદારી નથી લેતા માત્ર કોન્ટ્રાક્ટર અને પાલિકા નો કર્મચારી સમગ્ર પાલિકા ચલવે છે તે અમે નથી કહેતા પરંતુ ખુદ ભાજપ બોલતી થઈ છે અને ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલુ થયો છે
