ધર્મનગરી ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાનમાં સળગતી ચિતામાંથી કથિત રીતે માંસ કાઢીને ખાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. મામલો પોલીસના ધ્યાને આવતા જીવાજીગંજ પોલીસે કાર્યવાહી કરી અઘોરી કિન્નર કાલી ઉર્ફે નંદ ગિરીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં પોતાને અઘોરી અને કિન્નર અખાડાની મહામંડલેશ્વર ગણાવતી કાલી ઉર્ફે નંદ ગિરી સળગતી ચિતાની નજીક જોવા મળે છે. વીડિયોમાં તે ચિતામાંથી કંઈક કાઢીને ખાતી હોવાનું દેખાય છે, જ્યારે તેના હાથમાં તલવાર પણ જોવા મળે છે.
વીડિયો વાયરલ થતાં સંતો, ધાર્મિક આગેવાનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સેનાપતિ કાલ ભૈરવ સમિતિની ફરિયાદના આધારે જીવાજીગંજ પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 301 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાયરલ વીડિયોમાં કથિત રીતે માનવ માંસ ખાવા અને તાંત્રિક સાધના અંગેના નિવેદનો પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો આરોપીના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે જૂના અખાડાના મહામંડલેશ્વર શૈલેષાનંદ ગિરી મહારાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર અઘોર સાધના ગુપ્ત રીતે કરવામાં આવતી સાધના છે અને તેનું જાહેરમાં પ્રદર્શન કરવું યોગ્ય નથી. તેમણે સમગ્ર મામલે સરકાર અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. CSP પુષ્પા પ્રજાપતિના જણાવ્યા મુજબ, જીવાજીગંજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતીક શર્માની ટીમે ચિતા સાથે છેડછાડના મામલે કાલી ઉર્ફે નંદ ગિરીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીને ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયો ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાનનો છે. આ સ્મશાન ઉજ્જૈન મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે.
હવે સમગ્ર મામલે પોલીસની તપાસમાં વાયરલ વીડિયોની હકીકત, ચિતામાંથી કાઢવામાં આવેલી વસ્તુ અંગેની સત્યતા અને આરોપી દ્વારા કરવામાં આવેલા કૃત્ય પાછળનો હેતુ શું હતો તે અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
