સાવલી શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરોનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
એક તરફ સ્વચ્છતા અને સુવિધાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સાવલી શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાના દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

ગટરો ઉભરાઈ જતાં રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગંદા પાણી અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, ગટરની સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે નાગરિકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સવાલ એ છે કે, નગરપાલિકા તંત્ર આખરે ક્યારે જાગશે?
શું કોઈ મોટી બીમારી કે રોગચાળો ફેલાય ત્યાર બાદ જ તંત્ર સફાળું જાગશે?
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોની સફાઈ કરાવી ગટર વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવતા તેમણે સમગ્ર મુદ્દે કંઈપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.
હવે જોવાનું એ રહ્યું કે સાવલી શહેરની ગટર સમસ્યા સામે નગરપાલિકા તંત્ર ક્યારે આંખ ખોલે છે અને નાગરિકોને ગંદકીના આ નરકમાંથી ક્યારે મુક્તિ મળે છે.
