છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર શુક્રવારે સવારે એક મોટો વિમાન અકસ્માત ટળી ગયો હતો. દિલ્હીથી બિલાસપુર પહોંચેલી એલાયન્સ એરલાઇન્સની ફ્લાઇટ 9I613 લેન્ડિંગ કરી રહી હતી તે દરમિયાન વિમાનનો ડાબી બાજુનો એક ટાયર અચાનક ફાટી જતાં એરપોર્ટ પર ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પાયલટની સમયસૂચકતા અને એરપોર્ટ તંત્રની તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ શુક્રવારે સવારે દિલ્હીથી બિલાસપુર માટે રવાના થઈ હતી. સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે બિલાસપુર એરપોર્ટ પર વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક ડાબી બાજુનો ટાયર ફાટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા અને ઇમરજન્સી વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હતી.
વિમાનને સુરક્ષિત રીતે સંપૂર્ણપણે રોકી દેવાયા બાદ તેમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને રનવે પરથી સુરક્ષિત રીતે ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.
આ ફ્લાઇટમાં 37 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત કુલ 41 લોકો સવાર હતા અને તમામ સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટનાના પગલે એરપોર્ટ પ્રશાસન તેમજ મુસાફરોના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ટાયર ફાટવાની ઘટના બાદ વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર આ જ વિમાન દ્વારા બિલાસપુરથી આગળ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટાયર ફાટવા પાછળનું ચોક્કસ કારણ ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, એલાયન્સ એર દેશના નાના શહેરો અને પ્રાદેશિક કેન્દ્રોને મોટા મહાનગરો સાથે હવાઈ માર્ગે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એરલાઇન દ્વારા વિવિધ શહેરો વચ્ચે પ્રાદેશિક હવાઈ સેવાઓનું સંચાલન કરવામાં આવે છે તેમજ ઉડાન યોજના હેઠળ નાના અને ઓછી હવાઈ સુવિધા ધરાવતા શહેરોને પણ હવાઈ સંપર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે.
હાલ બિલાસપુર એરપોર્ટ પર પરિસ્થિતિ સામાન્ય હોવાનું અને ઘટનામાં તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું એરપોર્ટના સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે.
