શ્રાવણ માસની પૂનમ એટલે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પાવન દિવસ. આ દિવસે રક્ષાબંધન, બળેવ અને નાળિયેરી પૂનમ જેવા પર્વો અલગ-અલગ પરંપરા અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે.
રક્ષાબંધનના પર્વે બહેન પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને રક્ષા માટે પ્રાર્થના કરી તેના કાંડા પર રાખડી બાંધે છે. જ્યારે બળેવના પર્વે બ્રાહ્મણ સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના શરીર પર ધારણ કરેલી જનોઈનું પૂજન-અર્ચન કરી નવી જનોઈ ધારણ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે. બીજી તરફ નાળિયેરી પૂનમના દિવસે સાગરખેડુ અને માછીમાર સમાજ દ્વારા સાગરનું પૂજન કરી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ દર વર્ષની પરંપરા મુજબ બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાવાગઢ ગામના સમસ્ત બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કંસારા ધર્મશાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
અહીં શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોએ વિધિવત રીતે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી બળેવ પર્વની ધાર્મિક પરંપરા નિભાવી હતી.
ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા, શ્રદ્ધા અને સંસ્કારના સંગમરૂપ આ બળેવ ઉત્સવની પાવાગઢ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
