સાવલી તાલુકાના મંજુસર નજીક કેનાલ પાસે 16મી જુલાઈ ની રાત્રે રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે મંજુસર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા નિરમા કેનાલ નજીક ગત તા. 16 જુલાઈ, 2026ની રાત્રે પરપ્રાંતીય યુવકે ખાનગી રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે મંજુસર પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ મંજુસર ખાતે રહેતો રણજીત ચૌધરી નામનો યુવક નિરમા કેનાલ નજીક પહોંચ્યો હતો. તેણે પોતાની જાતે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રિવોલ્વર કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં યુવક રોડ પર કણસતો મળી આવતા પોલીસ દ્વારા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
યુવકને ગંભીર ઇજાઓ થતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ યુવક સ્વસ્થ થતાં મંજુસર પોલીસે સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પ્રાથમિક તપાસમાં યુવકે ગૃહકલેશના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. જોકે, આત્મહત્યાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલું ખાનગી હથિયાર યુવક પાસે ક્યાંથી આવ્યું અને તેને હથિયાર કોણે આપ્યું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ દ્વારા કેનાલમાં ફેંકવામાં આવેલી રિવોલ્વર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હથિયાર ક્યાંથી અને કોણે આપ્યું સહિતના મુદ્દાઓને લઈ મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
