કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ આર.એમ. મોહનીયા, પીએસઆઈ એસ.આર. મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ સહિત આજુબાજુના ગામના સરપંચો અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો પણ હાજર રહ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે નાગરિકોને સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો હતો. તેમણે બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ન રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ લેવા પણ નાગરિકોને અપીલ કરી હતી.આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો અને આઉટ પોસ્ટની સંખ્યા વધારવા જેવા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો હતો.
