સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામે શાળા બિલ્ડીંગ ના અભાવે મંદિરમાં અને દૂધ ડેરી માં બેસીને ભણવાનો વારો આવ્યો છે અને આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીની કચેરીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
સાવલી તાલુકાના તુલસીપુરા જૂથ પંચાયત ના પેટા પરા ભગાના મુવાડા ગામે શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા સામે આવી છે ગામની શાળા અને આંગણવાડી જર્જરિત હોવાથી નવી ઇમારત મંજૂર થઈ ગઈ છે પરંતુ શાળાની બિલ્ડિંગની બે વર્ષ પહેલા મંજૂરી છતાં કામ અધૂરું છે અને ધોરણ 1 થી 5 ધોરણના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે જ્યારે આંગણવાડી ના બાળકો દૂધ ડેરી માં બેસવા મજબૂર બન્યા છે

ગામમાં પ્રાથમિક શાળાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ધોરણ 1થી 5માં ભણતા બાળકો લાઇટ ,પંખા અને શૌચાલય ની સુવિધા કે પીવાના પાણીની વ્યવસ્થા વગર છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરે છે એક તરફ સરકાર દ્વારા બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અને સુવિધાઓની વાત કરવામાં આવે છે, ત્યારે ભગાનામુવાડામાં બાળકો માટે શાળા જેવી મૂળભૂત વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન હોવાના કારણે આશરે 30 બાળકો માટે નિયમિત શાળા ભવનની સુવિધા ન હોવાથી કરડ નદીના કિનારે આવેલા મંદિરના શેડનો ઉપયોગ શિક્ષણ માટે કરવામાં આવી રહ્યો છે. બાળકોને ખુલ્લા વાતાવરણમાં તેમજ શેડ નીચે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિમાં નાના બાળકોને આવી જગ્યાએ બેસીને ભણવું પડે તે બાબતે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે
માત્ર પ્રાથમિક શાળાના બાળકોની જ નહીં, પરંતુ ગામના આંગણવાડીના બાળકોની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે.
સાથે સાથે આંગણવાડીના આશરે 25 જેટલા ભૂલકાઓને દૂધની ડેરીમાં બેસાડીને શિક્ષણ મેળવી રહ્યા છે
એક જ સમયે અલગ-અલગ ધોરણના બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી માત્ર બે શિક્ષકો પર હોવાના કારણે શિક્ષણની ગુણવત્તા અને બાળકોને મળતા વ્યક્તિગત ધ્યાન અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી એ જણાવ્યું છે કે આ શાળા ના બાંધકામ માટે થી ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઇ છે અને ટૂંક સમયમાં કામ ચાલુ થઇ જશે જ્યારે જર્જરીત ઓરડા તોડતી વેળાએ એસએમસી ના માધ્યમથી ગ્રામજનોએ પોતાની ખાનગી જગ્યામાં બેસવાની મંજૂરી આપી હતી પરંતુ જો લાઈટ વીજળી કે પાણીની સમસ્યા હશે તો તે બાબતે ચોક્કસ ઘટતું કરીશું અને બાળકોને સુવ્યવસ્થિત વાતાવરણમાં શિક્ષણ પ્રાપ્ત થાય તેવા અમારા પ્રથમ પ્રયત્નો રહેશે
આ બાબતે ગામના સરપંચ મહેશભાઈ તલાવિયા એ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી શાળા તોડી પાડી છે અને બાળકો કરડ નદી ના કિનારે બનેલ શેડ માં બેસીને અભ્યાસ કરે છે અને જીવના જોખમે અભ્યાસ કરે છે નદી કિનારો હોવાથી જીવ જંતુ સાપનો ડર રહે છે અને આંગણવાડી પાંચ વર્ષ થી જર્જરીત છે અને બાળકોને ડેરીમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે
આ બાબતે ધીરુભાઈ વાઘેલા નામના ગ્રામજને જણાવ્યું હતું કે મેં જર્જરીત શાળા બાબતે જિલ્લા કલેક્ટર થી લઈને ધારાસભ્ય સુધી લેખિતમાં રજૂઆત કરી છે અને આ બાબતે મને જવાબ આપવામાં આવ્યો છે કે આ શાળાની કામગીરી બાબતે રાજ્ય કક્ષાએ થી વર્ક ઓર્ડર આવ્યો નથી અને વર્ક ઓર્ડર આવ્યે થી કામ ચાલુ થશે અને વર્ક ઓર્ડર ની રાહ જોઈને બાળકોને નદી કિનારે ખુલ્લામાં અને જીવજંતુ અને ઝેરી જાનવરોની વચ્ચે બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે પરંતુ હજુય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને તેને જગાડવા માટે અમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી એ ઉગ્ર આંદોલન કરવું પડશે

આમ નવી બિલ્ડિંગ માટે મંજૂરી મળ્યા બાદ પણ લાંબો સમય પસાર થઈ ગયો છે, છતાં બાળકોને હજુ પણ મંદિરના શેડ અને અન્ય જગ્યાઓમાં બેસાડીને ભણાવવાની સ્થિતિ કેમ ઊભી થઈ છે તે અંગે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે
નાના બાળકોના શિક્ષણ માટે યોગ્ય વર્ગખંડ અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તંત્રની છે. પરંતુ ભગાનામુવાડામાં બાળકોને આવી પરિસ્થિતિમાં ભણવું પડે છે તે બાબતે વાલીઓ અને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે એક બાજુ સરકાર સર્વ શિક્ષા અભિયાન સહિતની શિક્ષણમાં વિવિધ વિકાસની વાતો થાય છે ત્યારે સાવલીના આ નાનકડા ગામે સરકારની વિકાસની પોલ ખોલી નાખી છે.
* હમણાં તો વાલીઑ વિરોધ કરી રહ્યા છે જો શાળા બિલ્ડીંગ નઈ મળે તો GEN-આલ્ફા પણ મેદાને ઉતરશે
