ઘોઘંબા તાલુકાના નવાનગર ગામે આયુષ્યમાન દવાખાનાના પાછળના ભાગે આવેલા તલાવડી વિસ્તાર તેમજ આસપાસની જમીનમાં મોટા પ્રમાણમાં લાલ માટી ખોદવામાં આવી હોવાના જીવતા પુરાવા સામે આવ્યા છે. સ્થળ પર મોટા ખાડા તેમજ ટ્રેક્ટર સહિતના ભારે વાહનોના પાટા જોવા મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે ગ્રામ પંચાયત હસ્તકની હોવાનું કહેવાતી ગૌચર જમીન વિસ્તારમાંથી લાલ માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે. તલાવડીની સામેના વિસ્તારમાં પણ જેસીબી જેવા સાધનો વડે માટી ખોદવામાં આવી હોવાના નિશાન જોવા મળતા સવાલો ઊભા થયા છે કે આ માટી કોણે ખોદી? ક્યાં લઈ જવામાં આવી? અને શું તેના માટે સક્ષમ તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી હતી?
દવાખાનાની બાજુના વિસ્તારમાં પણ ખોદકામના ખાડા નજરે પડતા સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરવાની માંગ ઉઠી છે. જો જમીન ખરેખર ગૌચર અથવા અન્ય સરકારી હકની જમીન હોવાનું રેકોર્ડમાં સાબિત થાય અને જરૂરી મંજૂરી વિના માટીનું ખોદકામ થયું હોવાનું બહાર આવે, તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ મુદ્દે ગ્રામ પંચાયતના સરપંચ અને જવાબદાર વહીવટી તંત્રની ભૂમિકા અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં ખોદકામ થાય અને તેની જાણ જવાબદાર તંત્રને ન હોય તે બાબતની પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

મહત્વનું છે કે ગૌચર જમીન અથવા અન્ય જાહેર જમીનમાંથી માટી કે ખનિજનું ખોદકામ અને પરિવહન કરવા માટે લાગુ નિયમો અને સક્ષમ અધિકારીની મંજૂરીનો મુદ્દો મહત્વનો બને છે. ગુજરાત હાઈકોર્ટના વિવિધ કેસોમાં પણ ગૌચર જમીન પર ખોદકામ અંગે કાયદેસર મંજૂરી અને સત્તાધિકારીઓની તપાસના મુદ્દાને મહત્વ આપવામાં આવ્યું છે.
નવાનગરના આ સમગ્ર મામલે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તથા સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, જમીનની માલિકી અને સર્વે નંબરની ચકાસણી કરવામાં આવે, ખોદવામાં આવેલી માટીનો જથ્થો નક્કી કરવામાં આવે તેમજ માટી કયા વાહનો દ્વારા ક્યાં લઈ જવામાં આવી તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જો તપાસમાં ગેરકાયદેસર ખોદકામ સાબિત થાય તો નુકસાનનું મૂલ્યાંકન કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સરકારી અથવા ગૌચર જમીનને થયેલ નુકસાનની વસૂલાત કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
હવે જોવાનું એ રહ્યું કે નવાનગરમાં લાલ માટીના ખોદકામના આક્ષેપો અંગે જવાબદાર તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત બહાર લાવે છે કે પછી મામલો માત્ર ચર્ચાઓ સુધી જ સીમિત રહી જાય છે.

