(પ્રતિનિધિ રઈસ મલેક)
લાયન્સ ક્લબ ઓફ ડાકોર પિલગ્રિમ દ્વારા સામાજિક સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નવોદય વિદ્યાલય, રખિયાલ ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ડાકોરના અર્પિતાબેન, લાયન્સ ક્લબ ઓફ ડાકોર પિલગ્રિમના પ્રમુખ રવિન્દ્રસિંહ પરમાર, ટ્રેઝરર સતિષભાઈ ઉપાધ્યાય, લાયન્સ લતાબેન ઉપાધ્યાય, લાયન્સ નિકીતાબેન કોઠારી તથા સેક્રેટરી જયદીપસિંહ ડાભીના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને સુખી જીવનનો મજબૂત પાયો છે. વિદ્યાર્થી જીવન અમૂલ્ય છે અને આ સમયનો સદુપયોગ કરીને મહેનત, શિસ્ત અને સારા સંસ્કારો સાથે આગળ વધવું જોઈએ. મહેમાનોએ વિદ્યાર્થીઓને આજીવન વ્યસનમુક્ત રહેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો.

વિદ્યાલયના આચાર્ય જતીનકુમાર ભટ્ટે સ્વાગત પ્રવચન કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે શિક્ષક સુરેશભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી.
આ ચોપડા વિતરણ કાર્યક્રમનું સૌજન્ય ડાકોરના વતની, શિક્ષણપ્રેમી અને સેવાભાવી સજ્જન હાર્દિક જોશી તરફથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી અર્પિતાબેને તમામ વિદ્યાર્થીઓને આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય અને જવાબદાર નાગરિક તરીકે સહભાગી બનવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવા સાથે વ્યસનમુક્ત અને સંસ્કારી જીવનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
