ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ ને પગલે મહીસાગર જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ તથા દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા તેમજ પીઆઈ પી.આર. બલાતની આગેવાની હેઠળ પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અગરવાવાળા ખાતે આવેલા મહીસાગર નદીના પટ સહિત આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને તપાસ કરવામાં આવી હતી.
દરમિયાન ઘોડાના મુવાડા ગામ નજીકના જંગલ વિસ્તારમાં ડ્રોન મારફતે તપાસ કરતા કથિત રીતે ગેરકાયદેસર દારૂ બનાવવાની ભઠ્ઠી જોવા મળી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ભઠ્ઠીને તોડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્થળ પર મળી આવેલા મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા ડ્રોનની મદદથી સમગ્ર જંગલ વિસ્તાર તેમજ મહીસાગર નદીના તટ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નકલી દારૂ કે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ અંગે કોઈ માહિતી મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ દ્વારા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.
ભાવનગરના નકલી દારૂકાંડ બાદ મહીસાગર જિલ્લામાં પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
