કાજર બારીયા (છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા બૈડીયા ગામ ખાતે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દુ બ્લડ બેંકના વિશેષ સહયોગથી આયોજિત આ શિબિરમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમાજમાં અકસ્માત કે અન્ય આકસ્મિક બીમારીના સમયે દર્દીઓને ઝડપથી અને સમયસર લોહી ઉપલબ્ધ થઈ શકે તેવા ઉમદા હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ગામના ૪૦ રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે બૈડીયા ગામના તલાટી સંજયભાઈ રાઠવા, ગામના જાગૃત યુવા કાર્યકર કિર્તનભાઈ રાઠવા, આકાશભાઇ રાઠવા તેમજ સમસ્ત ગ્રામજનો અને યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ગામના લોકોના સહિયારા પ્રયાસો અને સેવાભાવી અભિગમને કારણે આ શિબિર ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
