કાજર બારીયા (છોટાઉદેપુર)
કદવાલ તાલુકાના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કદવાલ તાલુકામાં ઈ-લાયબ્રેરી શરૂ કરવાની માંગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કદવાલ તાલુકા સહિત આસપાસના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો લાભ મળશે.
કદવાલ તાલુકો તાજેતરમાં અસ્તિત્વમાં આવ્યો છે અને તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓ શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કદવાલ ખાતે આવે છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી પુસ્તકો, ડિજિટલ અભ્યાસ સામગ્રી અને ઈન્ટરનેટ આધારિત શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ થાય તે માટે ઈ-લાયબ્રેરીની લાંબા સમયથી જરૂરિયાત અનુભવાતી હતી.
આ મુદ્દે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને કદવાલ તાલુકામાં ઈ-લાયબ્રેરી મંજૂર કરવા માટે ખાસ માંગ કરી હતી. ધારાસભ્યની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ મળતા હવે કદવાલ તાલુકામાં ઈ-લાયબ્રેરીને મંજૂરી આપવામાં આવી છે.
ઈ-લાયબ્રેરીની સુવિધા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ઓનલાઈન અભ્યાસ, ઈ-બુક્સ, વિવિધ શૈક્ષણિક સામગ્રી તથા ડિજિટલ જ્ઞાનનો લાભ મળી શકશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે.
કદવાલ તાલુકામાં ઈ-લાયબ્રેરીને મંજૂરી મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી કદવાલ તાલુકો શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ઉચ્ચ શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવા માટે નવી તક મળશે.
