ઘોઘંબા : દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા ખાતે પ્રથમ વખત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 300 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર ઘોઘંબા નગરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો અને યાત્રા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ઘોઘંબા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના નારા અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા, ખરોડ જિલ્લા પંચાયત સદસ્ય જ્યોતિકાબેન બારીઆ, હાલોલ વિધાનસભાના પ્રભારી રામચંદ્રભાઈ બારીઆ સહિત ઘોઘંબા અને હાલોલ તાલુકાના પ્રમુખો, વિવિધ મંડળોના સંગઠન મંત્રીઓ, ચૂંટણી લડેલા ઉમેદવારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લાના અને તાલુકાના મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા ખાતે પ્રથમ વખત તિરંગા યાત્રાનું આયોજન થતાં કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રાને સફળ બનાવવા માટે આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકીએ પ્રથમ વખત યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના સાથે યોજાયેલી આ યાત્રાએ કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ ભર્યું છે.

300 મીટર લાંબા તિરંગા સાથે નીકળેલી આ યાત્રા દરમિયાન નગરમાં સર્જાયેલા દેશભક્તિના માહોલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
