ધરતી માતા, ગૌમાતા અને ભારતમાતાને વંદન સાથે રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંકલ્પ
આજે સમગ્ર દેશ ગૌરવભેર ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ તેમજ ૧૫૦મા “વંદે માતરમ્” વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ પવિત્ર રાષ્ટ્રીય પર્વને અનોખી રીતે ઉજવતાં વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી નારાયણબાપુજીની પવિત્ર તપોભૂમિ શ્રી નારાયણ ધામ, તાજપુરા ખાતે આવેલા વિરાટ નારાયણ વનમાં “હરિત રાષ્ટ્રીય ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધરતી માતા, ગૌમાતા અને ભારતમાતાને વંદન સાથે ભાવપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પરમ પૂજ્ય શ્રી નારાયણબાપુજીનો દિવ્ય સંદેશ “માનવ સેવા એ જ પ્રભુ સેવા” આજે પ્રકૃતિસેવાના સ્વરૂપે જીવંત બની રહ્યો છે. તાજપુરા ધામમાં માનવસેવા, ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિનો સમન્વય સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.
આજે વિરાટ નારાયણ વનમાં ૮૦,૦૦૦થી વધુ વૃક્ષો અને ૧૧૦થી વધુ દેશી વૃક્ષ પ્રજાતિઓ હરિયાળીનું ભવ્ય સ્વરૂપ સર્જી રહી છે. આ હરિત અભિયાનને વિરાટ નારાયણ વનના સંયોજક ભરતસિંહ પરમાર, તેમજ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, જયંતીભાઈ પંચાલ અને સુનીલ શાહના સતત માર્ગદર્શન અને સહયોગથી નવી દિશા મળી રહી છે.

ચાતુર્માસ દરમિયાન વિરાટ નારાયણ વનમાં ૩૦૦થી વધુ “વૃક્ષમાળા” પૂર્ણ થઈ ચૂકી છે. દરેક વૃક્ષમાળામાં ૧૦૮ વૃક્ષોના સંકલ્પ સાથે સતત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હેતુ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ આવનારી પેઢી માટે હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ભારતનું નિર્માણ કરવાનો છે.
આ પ્રસંગે “વોકમેન ઓફ ઇન્ડિયા” ડૉ. રાજુ એમ. ઠક્કરએ ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ અને શ્રી રાધાજીને પ્રિય એવા કદંબના વૃક્ષનું રોપણ કર્યું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું:
“જો ભારતનો દરેક નાગરિક માત્ર પાંચ દેશી વૃક્ષો વાવવાનો સંકલ્પ કરે, તો હરિત ભારતનું સ્વપ્ન ઝડપથી સાકાર થઈ શકે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ જેવા જનઆંદોલનને લોકભાગીદારીથી સફળ બનાવવું એ દરેક દેશવાસીની જવાબદારી છે.”
કાર્યક્રમમાં વન વિભાગના નિવૃત્ત અધિકારી કંચનભાઈ રાઠવા, વિરાટ નારાયણ વનની સુકન્યાઓ, માતૃશક્તિ તથા સેવાભાવી કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

વિરાટ નારાયણ વન આજે માત્ર એક હરિયાળું વન નથી, પરંતુ રાષ્ટ્રભક્તિ, પ્રકૃતિપ્રેમ, ગૌસેવા, જૈવવિવિધતા અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બની રહ્યું છે. અહીં દરેક વૃક્ષ રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે અને દરેક રોપાયેલું બીજ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું વચન છે.
આ હરિત રાષ્ટ્રીય ઉત્સવ સમગ્ર સમાજને એક જ પ્રેરણાદાયી સંદેશ આપે છે
“વંદે માતરમ્ માત્ર ગાન નથી, પરંતુ માતૃભૂમિને હરિયાળી, સ્વચ્છતા અને સમૃદ્ધિનું અર્પણ છે.
દરેક પરિવાર પાંચ વૃક્ષો વાવે, દરેક ગામ હરિયાળું બને અને દરેક નાગરિક પ્રકૃતિનો પ્રહરી બને એ જ સાચી રાષ્ટ્રસેવા છે.”
