પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામે આવેલ વણઝારા ફળિયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર જગદીશ વણઝારા (મૂળ ખીલોડી- ઘોઘંબા, હાલ વડોદરા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી કલાકારી અને વક્તૃત્વશૈલી દ્વારા દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોની વિરગાથા રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા

જગદીશ વણઝારાએ આઝાદીની ચળવળ દરમિયાન દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, સાહસ અને બલિદાનની ગાથા રજૂ કરી વિદ્યાર્થીઓને દેશના સ્વાતંત્ર્ય ઇતિહાસથી અવગત કર્યા હતા. તેમની રજૂઆતથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાની લાગણી વધુ પ્રબળ બની હતી.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ હિંમતસિંહ રાઠવા, વિનોદભાઈ વણઝારા, રાજુભાઈ વણઝારા,અરવિંદ બારીઆ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો તથા વડીલો,શાળાના આચાર્ય જસવંતસિંહ,શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવ્યો હતો.
