દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા કદવાલ તાલુકામાં ઠેરઠેર તિરંગા યાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ગામોમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, ગ્રામજનો, વેપારીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને નીકળેલી તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય વંદે માતરમ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કદવાલ ,ભીખાપુરા સહીત ના ગામોના મુખ્ય માર્ગો અને બજારોમાં તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર તાલુકામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.
કદવાલ તાલુકામાં યોજાયેલી વિવિધ તિરંગા યાત્રામાં કદવાલ મામલતદાર, કદવાલ પી.આઈ આર જે જાડેજા , જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ, વિરલ બારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તથા ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તિરંગા યાત્રા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કદવાલ તાલુકાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ તિરંગા યાત્રાઓના પગલે સમગ્ર કદવાલ તાલુકો દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. ઠેરઠેર જોવા મળેલા તિરંગા અને દેશભક્તિના નારાઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર બનાવી દીધું હતું.
