(પ્રતિનિધિ વનરાજ સિંહ ખાંટ)
કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કૉલેજ, થરા ખાતે જોબ પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના “વિષમુક્ત ખેતી, રોગમુક્ત ભારત” અભિયાન અંતર્ગત, કૃષિ ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જાણીતી કંપની ‘CARE WELL CROP SCIENCE PVT. LTD.’ દ્વારા ફીલ્ડ ઓફિસરની જગ્યાઓ માટે આ સીધા ઈન્ટરવ્યુ અને પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કંપનીમાંથી પધારેલા મુખ્ય મહેમાનો સર્વે રજનીકાન્ત જીવાભાઈ મોરી, પ્રણામી હાર્દિકભાઈ અને પ્રણામી બિપીનભાઈનું પુષ્પગુચ્છ (ફૂલદસ્તો), કાંકરેજની ગૌરવરૂપ ‘કાંકરેજની કલગી’ પુસ્તિકા તેમજ સાલ ઓઢાડીને સંસ્થા તરફથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલ તમામ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કૉલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. દિનેશકુમાર એસ. ચારણે કર્યું હતું અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમનું પ્રાસંગિક સંબોધન IQAC કો-ઓર્ડિનેટર ડૉ. હરેશ એલ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે આજના સમયમાં પ્લેસમેન્ટ સેલની ભૂમિકા અને રોજગારીની તકો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય વક્તા તરીકે પધારેલ કંપનીના પ્રતિનિધિ (SBM) મોરી રજનીકાન્ત જીવાભાઈએ ‘કેર વેલ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ’ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપની ISO 9001:2015 પ્રમાણિત છે અને ઓર્ગેનિક તેમજ નેચરલ ખેતીના પ્રોત્સાહન માટે સમગ્ર ભારતમાં (PAN India) વ્યાપક સ્તરે કાર્યરત છે. કંપની યુવા ઉમેદવારોને ઉત્તમ સેલેરી અને આકર્ષક ઇન્સેન્ટિવ્સ સાથે ફીલ્ડ ઓફિસર તરીકે શાનદાર કારકિર્દી પ્રદાન કરે છે. આ ઉપરાંત, કંપનીમાં જોડાનારા ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારોને પ્રોફેશનલ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કૃષિ ક્ષેત્રમાં લીડર બનવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સફળ, રસપ્રદ અને સુવ્યવસ્થિત સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને જોબ પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર ડૉ. રાજેશકુમાર કે. ખાંટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંચાલન દરમિયાન ઉપસ્થિત યુવા ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આજનું યુવાધન માત્ર નોકરી શોધનાર (Job Seeker) ન બનતા, યોગ્ય કૌશલ્ય કેળવીને આત્મનિર્ભર બને તે સમયની માંગ છે. ગ્રામીણ અને કૃષિ પ્રધાન વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે, જે દેશના કૃષિ વિકાસમાં પણ મોટું પ્રદાન આપશે.”કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ. નિતેશ એન. પટેલે કંપનીના પ્રતિનિધિઓ, કૉલેજના મંચસ્થ મહાનુભાવો, અધ્યાપકગણ અને ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આભારવિધિ સંપન્ન કરી હતી. આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં મોટી સંખ્યામાં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
