સરકારી મેડિકલ કોલેજ, વડોદરાએ IIRF ૨૦૨૬ મેડિકલ રેન્કિંગમાં રાષ્ટ્રીય સ્તરે ૧૭મું સ્થાન હાંસલ કરી ૯૩૧.૨૭ નો સ્કોર મેળવ્યો
*******************************
૧૯૪૯માં માત્ર ૨૫ વિદ્યાર્થીઓથી થયેલી શરૂઆતથી લઈને તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્યસંભાળના અગ્રણી કેન્દ્ર બનવા સુધીની સફર
સરકારી મેડિકલ કૉલેજ, વડોદરાએ IIRF ૨૦૨૬ મેડિકલ રેન્કિંગમાં સમગ્ર ભારતમાં મેડિકલ કૉલેજોમાં ૧૭મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સંસ્થાએ ૧,૦૦૦માંથી ૯૩૧.૨૭નો પ્રભાવશાળી વેટેજ સ્કોર નોંધાવ્યો છે. જે તેને દેશની અગ્રણી તબીબી સંસ્થાઓમાં સ્થાન આપે છે.
IIRF મૂલ્યાંકન મુખ્ય પરિમાણોને ધ્યાનમાં લે છે, જેમાં ટીચિંગ-લર્નિંગ રિસોર્સિસ એન્ડ પેડાગોજી (157.77), રિસર્ચ આઉટકમ્સ (158.25), ઇનોવેટિવ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (150.33), સોશિયલ ઇન્ક્લુઝન (155.33), ફ્યુચર ઓરિએન્ટેશન (155.07) અને એક્સટર્નલ પર્સેપ્શન (150.33) નો સમાવેશ થાય છે. જીએમસી વડોદરાએ આ તમામ પરિમાણોમાં મજબૂત સ્કોર મેળવ્યો છે, જે તેના સર્વાંગી સંસ્થાકીય વિકાસને દર્શાવે છે.
આ સિદ્ધિ સંસ્થાના શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પરના સતત ધ્યાનનું પરિણામ છે. કૉલેજે પૂર્વ ડીન અને હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.રંજન અય્યરના વિઝન તેમજ વર્તમાન ડીન ડૉ.ધ્રિતિ પરમાર, એડિશનલ ડીન ડૉ.જીવરાજ ડામોર અને ફેકલ્ટી ડીન ડૉ.હેમંત માથુરના નેતૃત્વને આ સફળતાનો શ્રેય આપ્યો હતો.
કોલેજની વિદ્યાર્થી-કેન્દ્રિત પહેલો, જેમાં સેન્ટ્રલાઈઝ્ડ એર-કંડિશન્ડ લાઈબ્રેરી, ડિજિટલ ઈન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ એર-કંડિશન્ડ લેક્ચર થિયેટર અને ડિજિટાઈઝ્ડ સ્ટુડન્ટ-સેક્શન પેમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે, તેણે તેના શૈક્ષણિક પરિસંગઠનને વધુ મજબૂત બનાવ્યું છે. મેડિકલ એજ્યુકેશન યુનિટની ટીમ, જેમાં કોઓર્ડિનેટર્સ અને સભ્યો ડૉ. સેજલ ઠક્કર, ડૉ. રમણ ડામોર, ડૉ. ભાવેશ બારિયા, ડૉ. ભાવિન બારાઈ અને ડૉ. ચિરાગ મિસ્ત્રીનો સમાવેશ થાય છે, તેમણે પણ IQAC અને MEU પ્રવૃત્તિઓ, શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જોડાણને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૉલેજે તેના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડૉક્ટરો, ફેકલ્ટી સભ્યો અને BMCAA દ્વારા જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મૂલ્યવાન યોગદાનની પણ પ્રશંસા કરી હતી. જેમની શૈક્ષણિક સિદ્ધિઓ, ક્લિનિકલ સેવાઓ અને ભારત તથા વિદેશમાં વ્યાવસાયિક હાજરીએ સંસ્થાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરી છે.
વિગતવાર માહિતી આપતાં ડૉ. અય્યરે જણાવ્યું હતું કે, “મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના વ્યક્તિગત પ્રયાસોથી ૧૯૪૯માં સ્થપાયેલી બરોડા મેડિકલ કૉલેજની શરૂઆત માત્ર ૨૫ વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે થઈ હતી. કૉલેજના પ્રવેશદ્વાર પર આજે પણ સચવાયેલી મૂળ ઉદ્ઘાટન તકતી તેના સમૃદ્ધ વારસાની યાદ અપાવે છે. આજે આ કૉલેજ વાર્ષિક ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે, જેમાં સુપર-સ્પેશિયાલિટી પ્લાસ્ટિક સર્જરી વિભાગ સહિત લગભગ ૨૨ વિભાગોમાં ૧,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રોફેસરો, એસોસિએટ પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરો અને ટ્યુટર્સ સહિત લગભગ ૪૦૦ ફેકલ્ટી સભ્યોના સમર્થન સાથે, સંસ્થા તેની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પરંપરાને જાળવી રાખે છે.”
કૉલેજની પ્રતિષ્ઠા તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને પ્રતિસાદથી વધુ મજબૂત થાય છે, જેમાંથી ઘણાએ ભારત અને વિદેશમાં, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ હોદ્દા મેળવ્યા છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાની તેની આ શોધ વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત ત્રણ એન્ડોવમેન્ટ ચેર દ્વારા પ્રતિબિંબિત થાય છે. સર્જરીમાં ડૉ. જે.પી. શાહ, મેડિસિનમાં ડૉ. ભરત બારાઈ અને રેડિયોલોજીમાં ડૉ. અશોક જૈન. આ પહેલો શૈક્ષણિક અને તબીબી સંશોધનને આગળ ધપાવવા માટેની સંસ્થાની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેથી વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો શીખી શકે નવીનતા લાવી શકે અને ઉત્કૃષ્ટતા મેળવી શકે તેવું વાતાવરણ ઊભું થાય. તેના તેજસ્વી વારસામાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સ્વ. ડૉ. વી.કે. પટેલ, જેમણે કૉલેજમાં શિક્ષણ આપ્યું હતું અને યુએસએમાં પ્રેક્ટિસ કરતા ડૉ. સુબ્રતો દાસ અને ડૉ. પ્રતિક શર્મા જેવા વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે,” એમ ડૉ. અય્યરે વધુમાં ઉમેર્યું હતું.
આ ૧૭મો રાષ્ટ્રીય ક્રમ અને ગુજરાતમાં પ્રથમ સ્થાન બરોડા મેડિકલ કોલેજ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને તબીબી શિક્ષણ, આરોગ્યસંભાળ અને સંશોધનમાં ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે તેનું કદ પુનઃસ્થાપિત કરે છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ અને GSV પણ IIRF રેટિંગ્સમાં પોતાની હાજરી નોંધાવી છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને ૫૨મો ક્રમ, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને મેનેજમેન્ટમાં ૯૯મો ક્રમ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને ૯૨મો ક્રમ, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસને ડિઝાઇન ક્ષેત્રે ૨૨મો ક્રમ અને ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરને IIRF ૨૦૨૬માં ૨૮મો ક્રમ મળ્યો છે.
