મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૨ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર પંચમહાલ જિલ્લામાં “જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રવિવારના દિવસે પંચમહાલ જિલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર ભવ્ય કાર્યક્રમો યોજાશે. મોરવા (હડફ) ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ મોરા સુલિયાત રોડ ,સુલિયાત ખાતે યોજાશે.જ્યારે સ્વામિનારાયણ મંદિર (ઘોઘંબા), ગેગડીયા ચોકડી (કાલોલ), છબનપુર (ગોધરા) અને કેશવ ગ્રાઉન્ડ (શહેરા) ખાતે યોજાશે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,સભાસ્થળે પહોંચતા પહેલાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે તથા પરંપરાગત વાજિંત્રો, વસ્ત્રો અને નૃત્ય સાથે ૧ થી ૨ કિ.મી.ની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
વિકાસ કાર્યો અને લોકાર્પણ વિશે વિગતો આપતા ધારાસભ્ય જણાવ્યું હતું કે,કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ લાભાર્થીઓને અધિકારપત્રો તેમજ રેકોર્ડ ઓફ રાઇટ્સ સર્ટિફિકેટનું વિતરણ કરાશે.
આદિવાસી કલ્યાણ યોજનાઓ વિશે ઉમેરતા જણાવ્યું હતું કે,પંચમહાલ જિલ્લાના ૨૮૪ આદિવાસી લાભાર્થીઓને રૂ. ૮૬.૦૦ લાખના ખર્ચે આવાસ મંજૂરી, દૂધાળા પશુ સહાય, મંડપ યોજના સહાય અને કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓનો લાભ અપાશે.
નવી પહેલ વિશે ભારપૂર્વક જણાવતા ધારાસભ્ય કહ્યું હતું કે,પંચમહાલ જિલ્લામાં સાપ્તાહિક હાટ બજારમાં ‘માં શબરી બૂથ’ શરૂ કરાશે જેથી સ્વસહાય જૂથોની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ શકે. તેમજ હાલોલ અને જાંબુઘોડા ખાતે મિલેટ આધારિત વાનગીઓ સાથે ‘જોહાર કાફે’ શરૂ કરવામાં આવશે.
આ ઉજવણીના માધ્યમથી આદિવાસી સમુદાયોના કલા-કૌશલ્ય, સાંસ્કૃતિક વારસો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને જન-જન સુધી પહોંચાડી આદિવાસી મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ ધારાસભ્ય વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલ જિલ્લા અગ્રણી હર્ષદભાઈ વસાવા, ગોવિંદભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, પ્રાયોજના અધિકારી પટેલ તેમજ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
