અવધ એક્સપ્રેસ | કાલોલ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાના રાબોડ ખાતે પંચમહાલ જિલ્લા કિસાન મોરચા દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચમહાલ પ્રભારી તથા પ્રદેશ મંત્રી ગાયત્રીબેન પટેલ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી, મહામંત્રી જયપાલસિંહ રાઠોડ અને ગિરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ જયદેવસિંહ ઠાકોર તથા હઠીસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા સિનિયર આગેવાન મયુરભાઈ પટેલ સહિત હોદ્દેદારો, સિનિયર આગેવાનો અને મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને મળતી આર્થિક સહાય, પાક વીમા યોજના, ખેતી માટે બિયારણ તથા અન્ય કૃષિ જરૂરિયાતો માટે મળતી સહાયની વિગતો રજૂ કરી હતી. આવી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ અને પગભર બનાવવાના પ્રયાસો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની માહિતી મેળવ્યા બાદ ઉપસ્થિત ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ કેટલાક ખેડૂતોએ ખેતીને લગતા વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ રજૂ કરી હતી. કિસાન મોરચાના હોદ્દેદારોએ ખેડૂતોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે જરૂરી પ્રયાસો કરવાની હૈયાધારણા આપી હતી.

આ સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય સ્તરે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણવાનો અને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
* સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું, ખેડૂતોના પ્રશ્નો સાંભળી ઉકેલની હૈયાધારણા અપાઈ
