વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ઘોઘંબા તાલુકામાં યોજાયેલી વિશાળ રેલીમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન રસ્તાઓ પર માનવમહેરામણ જોવા મળ્યું હતું અને અનેક સ્થળોએ પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આટલી વિશાળ જનમેદની વચ્ચે પણ માનવતાનો સંદેશ આપતું એક સરાહનીય દૃશ્ય જોવા મળ્યું હતું.
રેલી દરમિયાન ઈમરજન્સી સેવા માટે દોડી રહેલી 108 એમ્બ્યુલન્સ ત્રણથી ચાર વખત રેલીમાંથી પસાર થઈ હતી. એમ્બ્યુલન્સનો અવાજ સંભળાતા જ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના સ્વયંસેવકો તુરંત હરકતમાં આવી ગયા હતા અને ભીડને બાજુએ ખસેડી એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપ્યો હતો.

ખાસ વાત એ હતી કે જ્યાં હજારોની ભીડ વચ્ચે સામાન્ય વ્યક્તિ માટે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું હતું, ત્યાં સ્વયંસેવકોએ પોતાની જવાબદારી સમજીને એક મિનિટ પણ વિલંબ કર્યા વગર 108 માટે માર્ગ મોકળો કર્યો હતો. એમ્બ્યુલન્સને સરળતાથી પસાર થવા દેવા માટે સ્વયંસેવકો સતત ભીડનું સંચાલન કરતા જોવા મળ્યા હતા.
રેલીમાં માત્ર ઉત્સવ અને ઉજવણી પૂરતી જ નહીં, પરંતુ માનવજીવનને પ્રથમ પ્રાધાન્ય આપવાની ભાવના પણ જોવા મળી હતી. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના સ્વયંસેવકોએ રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની સાથે ઈમરજન્સી સેવાઓને અડચણ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોવા મળેલું આ દૃશ્ય એક મહત્વપૂર્ણ સંદેશ આપી ગયું કે ઉત્સવ ગમે તેટલો મોટો હોય, ભીડ ગમે તેટલી હોય, પરંતુ કોઈનું જીવન બચાવવા દોડી રહેલી એમ્બ્યુલન્સ માટે રસ્તો કરવો એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે.
આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના સ્વયંસેવકોએ પોતાના આ વર્તનથી માત્ર રેલીની વ્યવસ્થા જાળવી રાખી નહોતી, પરંતુ “માનવતા જ સૌથી મોટો ધર્મ છે” તેવો સુંદર સંદેશ પણ સમાજ સમક્ષ રજૂ કર્યો હતો. હજારોની મેદની વચ્ચે સ્વયંસેવકોની આ કામગીરીની ઉપસ્થિત લોકોએ પણ પ્રશંસા કરી હતી.
