પ્રતિનિધિ રિઝવાન દરિયાઈ
ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિક્યુરિટી (FES) ગુજરાત ટીમે ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે સમુદાય આધારિત પર્યાવરણીય પુનઃસ્થાપન અને ટકાઉ આજીવિકાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ HDFC Bank Parivartan Excellence Awards 2026માં ‘વિજેતા – Rural Development (West Region)’ તરીકે સન્માન પ્રાપ્ત કર્યું છે. આ એવોર્ડ સમારોહનું આયોજન 16 ઑક્ટોબર, 2026ના રોજ મુંબઈની ITC Grand Central Hotel ખાતે કરવામાં આવ્યું હતું.
આ સન્માન ખેડા જિલ્લાના મહી નદીના ભૌગોલિક વિસ્તારમાં FES ગુજરાત દ્વારા સ્થાનિક સમુદાયો, ખેડૂતો, ગ્રામ સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોના સહયોગથી હાથ ધરવામાં આવેલી સમુદાય આધારિત કોતર પુનઃસ્થાપન અને જમીન-જળ સંરક્ષણની કામગીરીની નોંધપાત્ર સિદ્ધિ છે.
પર્યાવરણીય પુનઃસ્થાપન અને ગ્રામ્ય આજીવિકાનો સંકલિત અભિગમ:
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના (સરનાલ, સુખીની મુવાડી,ઉપલેટ ,ઢૂંઢવા, ઘડિયા, જલાનગર,ઢૂંઢી,ઉધમાતપુરા, શાહપુરા, નવમુવાડા) ગામોમાં અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોતરોના વિસ્તરણ, જમીનના ધોવાણ, કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો અને પાણીની અછત જેવા પડકારોનો સામનો કરવાનો છે. આ માટે FESએ સ્થાનિક સમુદાયો સાથે મળીને જમીન અને જળ સંરક્ષણ, વનસ્પતિના વિકાસ, કોતરગ્રસ્ત જમીન પુનઃસ્થાપન અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપ્યું છે.
પ્રોજેક્ટ હેઠળ અંદાજે 30,834 રોપાઓનું વાવેતર, 45 ગેબિયન સ્ટ્રક્ચર્સનું નિર્માણ અને આશરે 505 એકર જમીનમાં સંરક્ષણના કાર્યો કરવામાં આવ્યાં છે. આ કામગીરીથી ગ્રામ્ય આજીવિકાની તકોમાં પણ સુધારો થયો છે.

સમુદાયની આગેવાની અને ગ્રામ સંસ્થાઓની ભૂમિકા :
આ પહેલની વિશેષતા એ છે કે તેમાં સ્થાનિક સમુદાયોને માત્ર લાભાર્થી તરીકે નહીં, પરંતુ કુદરતી સંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ખેડૂતો, ગ્રામ સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોની ભાગીદારીથી સ્થાનિક પર્યાવરણીય પડકારોની ઓળખ, સંરક્ષણનાં પગલાંનું આયોજન અને તેમનાં લાંબા ગાળાના સંચાલન માટેની ક્ષમતાઓ મજબૂત કરવામાં આવી છે.
FESનો આ અભિગમ દર્શાવે છે કે પર્યાવરણીય પુનઃસ્થાપન અને ગ્રામ્ય વિકાસ એકબીજાના પૂરક છે. જ્યારે સ્થાનિક સંસ્થાઓ સશક્ત બને છે અને સમુદાય કુદરતી સંસાધનોના સંચાલનની જવાબદારી સ્વીકારે છે, ત્યારે પર્યાવરણીય સુધારાની સાથે આજીવિકા અને સ્થાનિક વિકાસને પણ મજબૂત આધાર મળે છે.
સામૂહિક પ્રયાસોની સિદ્ધિ :
આ એવોર્ડ FES ગુજરાતની ટીમ, FES પરિવાર, સ્થાનિક સમુદાયો, ખેડૂતો, ગ્રામ સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોના સામૂહિક પ્રયાસોનું પ્રતિબિંબ છે. HDFC Bank Parivartanના સહયોગથી આગળ વધેલી આ પહેલ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે સમુદાયની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રયાસો વ્યાપક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન માટે માર્ગ મોકળો કરી શકે છે.
આ પ્રસંગે FES ગુજરાત ટીમે જણાવ્યું કે આ સન્માન માત્ર એક પ્રોજેક્ટની સિદ્ધિ નથી, પરંતુ કુદરતી સંસાધનોના સંરક્ષણ, સમુદાય આધારિત શાસન અને ટકાઉ આજીવિકાના ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરતા તમામ લોકોના પ્રયાસોની ઓળખ છે. આ માન્યતા ભવિષ્યમાં વધુ ગામો અને વિસ્તારોમાં પર્યાવરણીય પુનઃસ્થાપન અને સમુદાય આધારિત કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત બનાવવાની પ્રેરણા પૂરી પાડશે.
ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિક્યુરિટી (FES) વિશે :
ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિક્યુરિટી એક બિનનફાકારક સંસ્થા છે, જે સામૂહિક પ્રયાસો અને સશક્ત ગ્રામ સંસ્થાઓ દ્વારા જમીન, પાણી, જંગલો અને અન્ય સામૂહિક કુદરતી સંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે. FES પર્યાવરણીય પુનઃસ્થાપનને ટકાઉ આજીવિકા, ગ્રામ્ય વિકાસ અને સમુદાયની લાંબા ગાળાની સુખાકારીના પાયા તરીકે પ્રોત્સાહન આપે છે.
