(સાવલી)
સાવલી પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ સાવલી નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને રોગચાળાને અટકાવવાના હેતુથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કાદવ, ગંદકી અને કચરો જમા થઈ ગયો હતો. જેના પગલે પાલિકાની ટીમોએ મેઇન બજાર, બારોટવગા વિસ્તાર, ભીમનાથ મંદિર તેમજ પોઇચા ચોકડી સહિતના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ ચલાવી માર્ગો પર પડેલો કચરો અને કાદવ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત વરસાદી પાણી સાથે તણાઈને આવેલા કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે તેમજ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરને ગંદકીમુક્ત બનાવવા સતત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું કે વરસાદ બાદ ઉભી થતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓને અટકાવવા માટે સફાઈ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને પણ પોતાના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા અપીલ કરવામાં આવી છે.
