(પ્રતિનિધિ,વનરાજસિંહ ખાંટ)
અરવલ્લી જિલ્લામાં સ્પાની આડમાં ચાલતા કથિત ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધાનો અરવલ્લી એસઓજીએ પર્દાફાશ કર્યો છે. મોડાસા શહેરના ગણેશપુરા હજીરા ત્રણ રસ્તા પાસે આવેલા આયેશા કરીમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે ચાલતા ડિવાઇન સ્પા પર એસઓજીએ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પીઆઈ પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પામાં મસાજની આડમાં બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલી ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનો પ્રાથમિક ખુલાસો થયો હતો.

બાતમીની પુષ્ટિ થતાં એસઓજીની ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. તપાસમાં સ્પાના સંચાલક દ્વારા આર્થિક લાભ મેળવવાના હેતુથી કથિત રીતે વૈશ્યાવૃત્તિ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે સ્પા સંચાલક તથા માલિક સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આ કેસમાં બે આરોપીઓની અટકાયત કરી છે.
પકડાયેલા આરોપીઓ:
- પ્રતિમા દેવી, પતિ સંતોષકુમાર જ્યોતિપ્રસાદ મિશ્રા, મૂળ રહેવાસી દુરાપુર ત્યાગી ધર્મશાળા, રમેશનગર, દિલ્હી, હાલ ગણેશપુરા સર્કલ, મોડાસા.
- દીપક હિંમતરામ થાંવલા.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ સ્પાની આડમાં અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી કે નહીં અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
* અરવલ્લી SOGની રેડમાં સ્પા સંચાલક સહિત બે સામે ગુનો નોંધાયો
