અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના પાલડી ગામે ટ્રેક્ટર રોકીને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક શખ્સોએ ટ્રેક્ટર અટકાવી ગોહિલ જસભાઈ નામના યુવક સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, પાલડી ગામે જસભાઈ ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમનું ટ્રેક્ટર રોક્યું હતું અને ત્યારબાદ તેમની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં જસભાઈને પગ તથા ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી વિગતો સામે આવી રહી છે. જોકે, હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે સહિતની હકીકતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
