અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી નગરપાલિકાના ટેન્ડર વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. બાપા સીતારામ મંદિરના શેડને લઈને મંદિરના સેવકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા સામે અનેક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. વાયરલ વીડિયોમાં મંદિરના સેવક દ્વારા સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના પ્રાંગણમાં બનાવવામાં આવેલો શેડ નગરપાલિકા દ્વારા નહીં, પરંતુ સેવક અને ભક્તો દ્વારા લોકફાળો એકત્ર કરીને બનાવવામાં આવ્યો છે.
ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો શેડનું બાંધકામ અગાઉથી જ લોકફાળાથી પૂર્ણ થઈ ગયું હતું, તો પછી એ જ શેડના નામે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવાની જરૂર શા માટે ઊભી થઈ?
આ સમગ્ર મામલો અગાઉ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમના આક્ષેપ મુજબ બાપા સીતારામ મંદિરના શેડની કામગીરી માટે પાંચ લાખથી વધુ, એટલે કે અંદાજે છ લાખ રૂપિયાની માતબર રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાની ચર્ચા છે. હવે મંદિરના સેવકનો વીડિયો સામે આવ્યા બાદ આ વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

બગદાણાના સંત શિરોમણિ બાપા સીતારામે પોતાનું સમગ્ર જીવન સાદગી, સેવા, ભક્તિ અને માનવતાને સમર્પિત કર્યું હતું. તેમણે લોકોને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. ભૂખ્યાને ભોજન કરાવવું, જરૂરિયાતમંદની સેવા કરવી અને માનવમાત્રમાં ઈશ્વરનાં દર્શન કરવા જેવા સંદેશાઓ તેમના જીવનના મૂળમંત્ર રહ્યા હતા. તેમના સેવાભાવી જીવનથી પ્રેરાઈને આજે ગામેગામ તેમની મઢૂલી અને મંદિરો જોવા મળે છે.
આવા સેવાભાવી સંતના મંદિરના આંગણે ભક્તોને તડકો અને વરસાદથી રક્ષણ મળે, તેઓને બેસવા માટે છાંયડો મળે, એવી પવિત્ર ભાવનાથી ભક્તો અને સેવકોએ લોકફાળો એકત્ર કરીને શેડ બનાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ જ શેડના નામે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું ટેન્ડર બહાર પડાયું હોવાની વાત સામે આવતા અનેક લોકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
જો ખરેખર લોકફાળાથી શેડનું બાંધકામ પૂર્ણ થયું હોય અને ત્યારબાદ એ જ કામગીરી માટે સરકારી નાણાંની જોગવાઈ કરવામાં આવી હોય, તો આ માત્ર વહીવટી બેદરકારીનો નહીં, પરંતુ જાહેર નાણાંના ઉપયોગ અંગે ગંભીર તપાસનો વિષય બને છે.
જે સંતે જીવનભર સાદગી અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ આપ્યો, તેમના નામે ચાલતી કામગીરીમાં જો નાણાકીય ગેરરીતિ થઈ હોવાની શંકા ઊભી થાય તો તે અત્યંત દુઃખદ બાબત છે. ભક્તોની શ્રદ્ધા કોઈની મિલકત નથી અને જાહેર નાણાં કોઈના અંગત ખિસ્સામાંથી આવતા નથી. એ પ્રજાના પરસેવાની કમાણી છે. તેનો એક-એક રૂપિયો જવાબદારી અને પારદર્શિતા સાથે ખર્ચાવવો જોઈએ.
નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ હવે મૌન છોડીને જનતાને જવાબ આપવો જોઈએ કે શેડનું ટેન્ડર ક્યારે બહાર પાડવામાં આવ્યું? ટેન્ડર બહાર પડ્યું ત્યારે સ્થળ પર શેડની સ્થિતિ શું હતી? કામનો અંદાજ કોણે તૈયાર કર્યો? ટેન્ડરની રકમ કોના આધારે નક્કી કરવામાં આવી? જો શેડ લોકફાળાથી બની ચૂક્યો હતો, તો પછી સરકારી નાણાંની ફાળવણીની જરૂર શા માટે ઊભી થઈ?
વાયરલ વીડિયો અને અગાઉ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે. ટેન્ડરના તમામ દસ્તાવેજો, સ્થળની વાસ્તવિક સ્થિતિ, માપણી, અંદાજ, વર્ક ઓર્ડર અને ચુકવણીની વિગતો જાહેર કરવામાં આવે તે જરૂરી છે. જો કોઈ ગેરરીતિ કે સરકારી નાણાંના દુરુપયોગના પુરાવા મળે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ વિવાદે હવે સાવલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. મામલો વધુ ચર્ચામાં આવતાં જવાબદારો દ્વારા બચાવના રસ્તા શોધવામાં આવી રહ્યા હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હવે આ શેડ મંદિરની મઢૂલીની આગળ નહીં, પરંતુ પાછળના ભાગે બનાવવામાં આવશે તેવો જવાબ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
જોકે, આ નવી વાત સામે આવતાં જ વધુ એક સવાલ ઊભો થયો છે કે આખરે મઢૂલીના પાછળના ભાગે એવી કઈ જગ્યા ઉપલબ્ધ છે જ્યાં શેડનું બાંધકામ કરવામાં આવશે?
કારણ કે સ્થાનિક પરિસ્થિતિ મુજબ મઢૂલીના પાછળના ભાગે આવેલી તળાવડી પૂરી દઈ ને ત્યાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને તેની બાજુમાં રસ્તો આવેલો છે. ત્યારે આવી સ્થિતિમાં પાછળના ભાગે શેડ બનાવવા માટે જગ્યા ક્યાં છે? શું ખરેખર ત્યાં શેડ બનાવવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે?
જો નગરપાલિકા દ્વારા પાછળના ભાગે શેડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોય, તો સૌથી મહત્ત્વનો સવાલ એ પણ છે કે જે જગ્યા પર શેડ બનાવવાની વાત થઈ રહી છે તે જગ્યા નગરપાલિકાની માલિકીની છે કે મંદિરની? શું નગરપાલિકાએ આ જગ્યા મંદિરને સત્તાવાર રીતે ફાળવી છે કે દાનમાં આપી છે? જો જગ્યા ફાળવવામાં આવી હોય તો તેના સત્તાવાર દસ્તાવેજો જાહેર કરવામાં આવે તેવી પણ માંગ ઊઠી રહી છે.
માત્ર વિવાદથી બચવા માટે શેડનું સ્થળ બદલવાની વાત કરવામાં આવી રહી છે કે પછી ખરેખર પાછળના ભાગે શેડ બનાવવાની વ્યવહારુ વ્યવસ્થા છે, તે પણ તપાસનો વિષય છે. નગરપાલિકાએ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે શેડ ક્યાં બનાવવામાં આવશે, કઈ જગ્યાએ બનાવવામાં આવશે અને તે જગ્યા પર નગરપાલિકાનો કાયદેસરનો અધિકાર શું છે?
એક તરફ મંદિરના સેવકના વીડિયોમાં લોકફાળાથી શેડ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ અંદાજે છ લાખ રૂપિયાના ટેન્ડરનો વિવાદ છે અને હવે શેડ પાછળના ભાગે બનાવવાની ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.
બાપા સીતારામના ભક્તોએ પોતાના પરસેવાની કમાણીમાંથી બનાવેલા શેડના નામે જો ફરી સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચવાની તૈયારી થઈ હોય, તો આ કેવી વહીવટી વ્યવસ્થા?
અને જો હવે શેડ પાછળના ભાગે બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોય, તો ત્યાં જગ્યા ક્યાં છે? એ જગ્યા કોની માલિકીની છે? શું નગરપાલિકાએ મંદિરને જગ્યા ફાળવી છે?
ધર્મના નામે શ્રદ્ધા કમાવવી સહેલી છે, પરંતુ જનતાના પૈસાનો હિસાબ આપવો પડે ત્યારે જવાબદારીથી છટકી શકાય નહીં. બાપા સીતારામે સેવા અને સત્યનો માર્ગ બતાવ્યો હતો, સરકારી નાણાંના હિસાબમાં અંધારું રાખવાનો નહીં.
સાવલીની જનતા હવે જવાબ માગે છે લોકફાળાથી બનેલા શેડના નામે છ લાખ રૂપિયાનું ટેન્ડર શા માટે? અને હવે પાછળના ભાગે શેડ બનાવવાની વાત પાછળનું વાસ્તવિક કારણ શું છે?
આ સવાલોના જવાબ કોઈ રાજકીય નિવેદનથી નહીં, પરંતુ ટેન્ડરના દસ્તાવેજો, સ્થળની વાસ્તવિક તપાસ અને નિષ્પક્ષ વહીવટી તપાસથી જ મળવા જોઈએ.
