(પ્રતિનિધિ:ગોકુળ પંચાલ)
ઘોઘંબા MGVCLના કમ્પ્લેન સેન્ટરની રાત્રિ કામગીરી સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરોલી જ્યોતિગ્રામ લાઇન પર પરોલી ચોકડી બસ સ્ટેન્ડ પાછળ આવેલા 11 કે.વી.ના વીજ થાંભલા પર રાત્રિના સમયે વારંવાર મોટા ધડાકા અને સ્પાર્કિંગ થતાં હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાની જાણ કરવા માટે રાત્રિ દરમિયાન કમ્પ્લેન સેન્ટરના નંબર પર અનેક વખત ફોન કરવામાં આવ્યો હતો. જોકે ફરજ પર રહેલા કર્મચારી દ્વારા “દિવસની શિફ્ટના કર્મચારીઓ આવશે ત્યારે ફરિયાદ નોંધાશે” તેવો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, લાઇન બંધ કરવા અથવા તકેદારીના કોઈ પગલાં અંગે પણ માહિતી આપવામાં આવી નહોતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ થાંભલા પર પાંચથી છ વખત જોરદાર ધડાકા થયા હતા. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિને જાનહાનિ કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે રાત્રિ દરમિયાન ફરજ બજાવતા કમ્પ્લેન સેન્ટરના કર્મચારીઓને ગ્રાહકો સાથે જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે વાતચીત કરવા સૂચના આપવામાં આવે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વીજ પુરવઠા સંબંધિત તાત્કાલિક રજૂઆત માટે જવાબદાર અધિકારીઓના સંપર્ક નંબર જાહેર કરવામાં આવે જેથી ગંભીર ફરિયાદો સીધી અધિકારીઓ સુધી પહોંચી શકે.
સ્થાનિકોમાં એવી પણ ફરિયાદ છે કે રાત્રિના સમયે પરોલી ગામ તરફ જતી ટેપિંગ લાઇન કાપીને માત્ર નજીકનો વીજ પુરવઠો શરૂ કરવામાં આવે છે, જ્યારે અન્ય ફીડરોનો વીજ પુરવઠો સવારના પાંચ વાગ્યા પછી જ શરૂ કરવામાં આવે છે. જેના કારણે અન્ય વિસ્તારોના ગ્રાહકોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોએ MGVCLના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરી રાત્રિ કમ્પ્લેન સેન્ટરની કામગીરી વધુ જવાબદાર અને અસરકારક બનાવવા માંગ કરી છે.
* પરોલી ચોકડી પાસે વીજ થાંભલા પર વારંવાર સ્પાર્કિંગ; ગ્રાહકોનો આક્ષેપ – કમ્પ્લેન સેન્ટર પરથી મળ્યો ઉદ્ધત જવાબ, દુર્ઘટનાની આશંકા
