(પ્રતિનિધિ : માલપુર)
અરવલ્લી જિલ્લામાં ભાડા કરારના નામે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર મેળવી તેને સૌરાષ્ટ્રમાં સસ્તા ભાવે વેચી દેતા આંતરજિલ્લા કૌભાંડનો અરવલ્લી પોલીસે પર્દાફાશ કર્યો છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અંદાજે ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખેડૂતોનો વિશ્વાસ જીતી ભાડા કરાર હેઠળ ટ્રેક્ટરો લેતા હતા. ત્યારબાદ ટ્રેક્ટરો પરત આપવાના બદલે તેને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછી કિંમતે વેચી દેતા હતા. આ રીતે અનેક ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોના આધારે LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે 20 ટ્રેક્ટર, એક JCB મશીન અને 10 ટોલી સહિત કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે વિજય પ્રાંતવેલ, સુનિલ પરમાર, પ્રવિણ મસાર, કનુ ભરવાડ, કનુભાઈ પાંડોર અને વિપુલ નામના કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસનું માનવું છે કે આ કૌભાંડમાં અન્ય કેટલાક શખ્સોની પણ સંડોવણી હોઈ શકે છે. તેથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન વધુ મહત્વના ખુલાસાઓ તેમજ અન્ય વાહનો અને સંડોવાયેલા આરોપીઓ અંગે માહિતી મળી શકે છે.
અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ગેરકાયદેસર ગેંગ સામે મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ દ્વારા ખેડૂતોને પણ વાહનો ભાડે આપતા પહેલાં પૂરતી ચકાસણી અને કાયદેસરની પ્રક્રિયા અનુસરવાની અપીલ કરવામાં આવી છે.
