અવધ એક્સપ્રેસ | અમદાવાદ
સનાતન ધર્મની દિવ્ય પરંપરા, આધ્યાત્મિકતા અને વિશ્વકલ્યાણના ઉમદા સંદેશને ઉજાગર કરતી ‘સનાતન દિવ્ય જ્યોત’ની સુંદર અને કલાત્મક રંગોળી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના ચોકમાં સંતવૃંદ દ્વારા ભવ્ય રીતે સજાવવામાં આવી છે. આ રંગોળી મંદિર પરિસરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સંતવૃંદ દ્વારા રંગો અને કલાના સુંદર સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ ‘સનાતન દિવ્ય જ્યોત’ માત્ર રંગોળી પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ વિશ્વશાંતિ, માનવતા, પ્રેમ, સદભાવના અને સર્વજીવ સુખાકારીનો પવિત્ર સંકલ્પ સમાયેલો છે.

આ રંગોળીના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની દિવ્ય જ્યોતનો પ્રકાશ વિશ્વના અત્ર-તત્ર-સર્વત્ર ફેલાય અને સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના થાય તેવો છે. વિશ્વના તમામ પ્રાણીમાત્ર સુખ, શાંતિ અને ચેનથી જીવન વ્યતીત કરી શકે તથા પરસ્પર પ્રેમ અને સદભાવનાની ભાવના સાથે જીવન જીવે તેવો ઉમદા સંદેશ આ કલાત્મક રચના દ્વારા આપવામાં આવ્યો છે.
મંદિરના ચોકમાં શોભતી આ દિવ્ય રંગોળી દર્શનાર્થીઓમાં આધ્યાત્મિક ભાવના જગાડવાની સાથે સનાતન સંસ્કૃતિના શાંતિ, કરુણા અને કલ્યાણના મૂલ્યોની પણ અનુભૂતિ કરાવે છે.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અને આશીર્વાદથી સનાતન ધર્મની દિવ્યતા તથા વિશ્વકલ્યાણની ભાવનાને પ્રગટ કરતી આ અનોખી રંગોળી એક સુંદર આધ્યાત્મિક સંદેશ આપી રહી છે કે વિશ્વમાં શાંતિ, સમરસતા અને સર્વજીવ સુખાકારીનો પ્રકાશ સતત પ્રજ્વલિત રહે.
* સંતવૃંદ દ્વારા કલાત્મક રીતે તૈયાર કરાયેલી રંગોળી સનાતન ધર્મની દિવ્યતા, વિશ્વશાંતિ અને સર્વજીવ સુખાકારીનો આપી રહી છે સંદેશ
