અવધ એક્સપ્રેસ | દાહોદ
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત માય ભારત દાહોદ દ્વારા એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે “વિકસિત ભારત યુવા સંસદ 2027” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી (One Nation, One Election)” રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન નીનામા તેમજ જિલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપત, પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી, ડૉ. પૂર્ણિમા બેરાગી તથા ડૉ. ઇશાક શેખ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન યુવા સંસદમાં ભાગ લેનાર યુવાનોએ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” વિષય પર પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. યુવાનોમાં લોકશાહી મૂલ્યો, સંસદીય પ્રક્રિયા અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ભારતી આશુતોષ નવીનકુમાર, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર શિવમ ભારદ્વાજ તથા તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર ભાટિયા પ્રાપ્તિ પ્રિતેશકુમારને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવાનોને પ્રમાણપત્ર અને માય ભારત નોટબુક કિટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ સાથે જોડાઈ લોકશાહી પ્રક્રિયા અંગે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજેતાઓ ને અને ભાગ લેનાર તમામ યુવાઓને સરકારી ઇજનેરી કોલેજ દાહોદના આચાર્ય ડો. કે બી જુડાલ દ્વારા ખૂબ અભિનંદન આપવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમ યુવાનોમાં લોકશાહી જાગૃતિ, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સફળતાપૂર્વક યોજાયો હતો.
