નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાનારા કાર્યક્રમ પહેલાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો
અમદાવાદ: પંજાબી ગાયક દિલજીત દોસાંજની આગામી ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી કોન્સર્ટ પહેલાં વિવાદ સર્જાયો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (DCPO) દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને ગાયકને ચાર ચોક્કસ ગીતો રજૂ ન કરવા દેવા માટે જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચંદીગઢના પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધરેનાવર દ્વારા આ ગીતો સામે ફરિયાદ કરવામાં આવી હતી. તેમના આક્ષેપ મુજબ, ગીતોમાં દારૂ, નશીલા પદાર્થો અને ગન કલ્ચરનું મહિમાગાન કરવામાં આવે છે.
૫ નવેમ્બરના રોજ લખાયેલા પત્રમાં ચાર ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ‘પટિયાલા પેગ’, ‘૫ તારા ઠીકે’, ‘જીભ વિચો ફીમ લબ્બિયા’ અને ‘જટ ઉઠે ફાયર કરદા’નો સમાવેશ થાય છે. અધિકારીએ નશા મુક્ત ભારત અભિયાનનો હવાલો આપીને આવા ગીતો કોન્સર્ટમાં રજૂ ન થાય તેવી માંગ કરી છે. ગીતોના શબ્દોમાં ફેરફાર કરવામાં આવે તો પણ આ સૂચનાનો અમલ કરવાની વાત પત્રમાં કરવામાં આવી છે.
બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા
ગીતો ઉપરાંત કોન્સર્ટમાં બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન બાળકોને સ્ટેજ પર ન લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ, ૧૨૦ ડેસિબલથી વધુ અવાજ અને ઝડપથી ઝબકતી લાઈટો બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
આ ઉપરાંત દિલજીત દોસાંજને છાતી પર ચાંદીની ગોળીઓ જેવા દેખાતા બેન્ડોલિયર અથવા ધાતુના નકલી કારતૂસ પહેરતા રોકવાની પણ માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં દલીલ કરવામાં આવી છે કે આવા પ્રતીકો ગન કલ્ચરને પ્રોત્સાહન આપી શકે છે.
ઈન્દોર કોન્સર્ટમાં પણ આવી જ માંગ
ઉલ્લેખનીય છે કે, ૧૫ નવેમ્બરે ઈન્દોરમાં યોજાનારી દિલજીત દોસાંજની કોન્સર્ટ પહેલાં પણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા ચાર ગીતો રજૂ ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૪માં અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ દરમિયાન દિલજીતે ગુજરાતમાં દારૂબંધીનો ઉલ્લેખ કરીને દારૂ સંબંધિત ગીતો રજૂ કરવાનું ટાળ્યું હતું.
અવધ એક્સપ્રેસ | અમદાવાદ
