અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વાહનચાલકોને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જોકે, હવે શહેરમાં વાહન પાર્ક કરવા માટે નાગરિકોએ વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે. AMC દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને સીધી અસર થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં પાર્કિંગ ચાર્જના નવા દરોને મંજૂરી આપવામાં આવી હતી. નવા નિર્ણય મુજબ ટુ-વ્હીલર માટેના પાર્કિંગ ચાર્જમાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કાર સહિતનાં અન્ય વાહનોના પાર્કિંગ દરમાં પણ વધારો કરાયો છે. આ નિર્ણયને પગલે મલ્ટીલેવલ પાર્કિંગ અને અન્ય પાર્કિંગ સ્થળોએ વાહન મૂકતા નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.
આ ઉપરાંત કોમર્શિયલ વાહનો માટે પણ પાર્કિંગના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. લાઇટ, મિડિયમ અને હેવી કોમર્શિયલ વાહનો માટે પાર્કિંગના સમયગાળા પ્રમાણે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જોકે, સાઇકલના પાર્કિંગ ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા જાહેર કરાયેલા દરોમાં લાગુ પડતો GST પણ સામેલ છે.
આ અંગે એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ઇનસાઇડ અને આઉટસાઇડ પાર્કિંગના દર છેલ્લા દસ વર્ષથી યથાવત હતા. સમયાંતરે વધતા ખર્ચ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ પાર્કિંગ સ્થળોએ અંદાજે 20થી 25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ટુ-વ્હીલરના પાર્કિંગ દરમાં સુધારો કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે.
AMCના આ નિર્ણયથી ખાસ કરીને રોજિંદા ટુ-વ્હીલર અને કારનો ઉપયોગ કરતા નોકરિયાતો, વેપારીઓ તથા અન્ય વાહનચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થશે. શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવાની સાથે પાર્કિંગ ચાર્જમાં પણ વધારો થતાં હવે અમદાવાદીઓમાં આ નિર્ણયની કેવી પ્રતિક્રિયા જોવા મળે છે તે જોવું રહ્યું.
