વલસાડ : વલસાડ જિલ્લા પંચાયતના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નવનિયુક્ત વંદના મીણાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. હોદ્દો સંભાળ્યા બાદ તેમણે જિલ્લા પંચાયતના નવા ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. આ પ્રસંગે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી પણ તેમની સાથે જોડાયા હતા.
નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા ભારતીય વહીવટી સેવા (IAS)ના ગુજરાત કેડરના વર્ષ 2022ની બેચનાં અધિકારી છે અને મૂળ રાજસ્થાનનાં વતની છે. તેમણે બી.એસસી. (મેથેમેટિક્સ ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યો છે.
વંદના મીણા અગાઉ મોડાસા ખાતે મદદનીશ કલેક્ટર તરીકે, ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ઓક્ટોબર 2026થી મહીસાગર જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.
હવે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સંભાળ્યા બાદ તેમણે જિલ્લા પંચાયતના વહીવટી તંત્રની કામગીરીથી પરિચિત થવાની શરૂઆત કરી છે. નવા ભવનના નિરીક્ષણ અને અધિકારીઓ સાથેની ચર્ચા દ્વારા વિવિધ વિભાગોની કામગીરીની પ્રાથમિક માહિતી મેળવી હતી.
