અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામાકોટિપીઠમના 70મા પીઠાધિપતિ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીનાં દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શંકરાચાર્યશ્રીના સાંનિધ્યમાં આયોજિત પૂર્ણાહુતિ હવનમાં સહભાગી થઈ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
ગોતા ખાતે આવેલા યજ્ઞશાળા મંડપમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય શંકરાચાર્યશ્રી સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય જગદ્ગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીએ 28 ફેબ્રુઆરી, 2018ના રોજ પીઠાધિપતિ પૂજ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીજીની વિદેહમુક્તિ બાદ કાંચી કામાકોટિપીઠમના 70મા પીઠાધિપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. કાંચીપુરમ સ્થિત આ પીઠ ભારતીય સનાતન પરંપરા અને વૈદિક સંસ્કૃતિના સંવર્ધન તથા જતનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ ધાર્મિક પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
