ACP 2026-27ના પ્રથમ છ મહિનામાં બેંકોએ ₹9.23 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કર્યું : પ્રાથમિકતા ક્ષેત્રે ₹4.63 લાખ કરોડથી વધુનું ધિરાણ
અમદાવાદ : બેંક ઑફ બરોડા દ્વારા અમદાવાદ ખાતે રાજ્યસ્તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતની 191મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા SLBC ગુજરાતના અધ્યક્ષ તથા બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લાલસિંહે કરી હતી.
બેઠકમાં ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ (DFS)નાં નિયામક સુશ્રી સ્વાગત ભંડારી (IAS) વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયાં હતાં. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદના ક્ષેત્રીય નિયામક અમરેશ રંજન, નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક જી.વી. સુનીલકુમાર, GLPCના મેનેજિંગ ડિરેક્ટર પ્રશસ્તિ પરીખ (IAS), GULMના મિશન ડિરેક્ટર મહેશ જાની (IAS), ગુજરાત સરકારના નિયામક (સંસ્થાકીય વિત્ત) અમિત મીણા તથા SLBC ગુજરાતના કન્વીનર અને બેંક ઑફ બરોડાના જનરલ મેનેજર રવીશકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાતના બેંકિંગ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં કુલ બેંક થાપણો ₹16.09 લાખ કરોડ અને કુલ ધિરાણ ₹15.15 લાખ કરોડ નોંધાયું હતું. જેમાં ત્રિમાસિક ધોરણે અનુક્રમે 8.77 ટકા અને 8.69 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. રાજ્યમાં બેંકિંગ નેટવર્કનો પણ નોંધપાત્ર વિસ્તાર થયો છે, જેમાં 11,189 બેંક શાખાઓ, 12,100 એટીએમ અને 49,257 સક્રિય બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ કાર્યરત છે. જ્યારે રાજ્યનો ક્રેડિટ-ડિપોઝિટ (CD) રેશિયો 94.16 ટકા રહ્યો હતો.
વર્ષ 2026-27ની વાર્ષિક ધિરાણ યોજના હેઠળ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બેંકોએ વાર્ષિક લક્ષ્યાંકના 76.71 ટકા જેટલી સિદ્ધિ મેળવી હતી અને ₹9.23 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કર્યું હતું. જેમાં પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ ₹4.63 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કરીને 72.86 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
બેઠકમાં કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા યોજનાઓ, સ્વસહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવા, સ્ટાર્ટઅપ ધિરાણ, ડિજિટલ પેમેન્ટ અને સાયબર સુરક્ષા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઓછો CD રેશિયો ધરાવતા ડાંગ, પોરબંદર અને નવસારી જિલ્લામાં ધિરાણનો પ્રવાહ વધારવા તથા ખેડૂતો અને વંચિત વર્ગો સુધી બેંકિંગ સેવાઓ અને ધિરાણની પહોંચ વધુ સુલભ બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.
SLBCના વિશેષ અભિયાન ‘સમૂહથી સમૃદ્ધિ’ની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પ્રથમ પખવાડિયામાં 4,615 નવા સ્વસહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવામાં આવ્યા હતા. ગુજરાતનાં 18,000 ગામોમાં મહિલાઓ દ્વારા સંચાલિત અમૂલ પાર્લરો સાથે ભાગીદારી કરીને સ્વસહાય જૂથોની આજીવિકાને પ્રોત્સાહન આપવા GLPC દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
બેઠકના અંતે ગુજરાત સરકાર, ભારતીય રિઝર્વ બેંક, નાણાકીય સેવા વિભાગ, નાબાર્ડ અને સભ્ય બેંકોએ રાજ્યમાં ધિરાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, નાણાકીય સમાવેશનો વ્યાપ વધારવા તથા સંતુલિત અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો (LDMs)નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
